ભારતને ન્યૂઝીલેન્ડને 8 વિકેટે રગદોળ્યું, બોલિંગમાં શમી તો બેટિંગમાં રોહિત છવાયો

January 21, 2023

રાયપુરઃ ફાસ્ટ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે અહીં રમાયેલી ત્રણ મેચની સિરીઝની બીજી વનડે મેચમાં મહેમાન ન્યૂઝીલેન્ડને વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે સિરીઝની છેલ્લી વનડે 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. રાયપુરમાં પ્રથમ વખત વનડે મેચ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભારતના ફાસ્ટ બોલરોની ઘાતક બોલિંગ સામે કીવી બેટરોનો ધબડકો થયો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ 34.3 ઓવરમાં માત્ર 108 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 20.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

ન્યૂઝીલેન્ડે આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા અડધી સદી ફટકારી આઉટ થયો હતો. રોહિતે 50 બોલમાં 7 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 51 રન બનાવ્યા હતા. તો વિરાટ કોહલી 9 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ 53 બોલમાં છ ચોગ્ગા સાથે 40 રન ફટકારી અને ઈશાન કિશન 8 રન બનાવી અણનમ રહ્યો હતો.