ભારત યુક્રેન યુદ્ધમાં તટસ્થ રહ્યું છે, ભારતે પોતાનાં હિતો પણ જાળવવા પડે : એસ. જયશંકર

July 05, 2022

દિલ્હી : દિલ્હી યુનિવર્સિટીમાં ''મોદી @20 : ડ્રીમ્સ-મીટ-ડીલીવરી'' નામના પુસ્તક ઉપરના વિવેચન (ચર્ચા) સમયે વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટત: કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં ભારત જો નેતૃત્વ લેશે તો જ આ વિસ્તારમાં વધુ એકરૂપતા સ્થપાઈ શકશે. આ સાથે યુક્રેન યુદ્ધ વિષે પણ તેમણે ભારતનાં વલણની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ''ભારતે તે અંગે સંપૂર્ણ તટસ્થતા રાખી છે. તેમ છતાં ત્યાં સંઘર્ષ બંધ કરવા માટે બંને પક્ષોને સમજાવી રહ્યું છે. સાથે તે પણ સ્પષ્ટ છે કે ભારતે પોતાનાં હિતોને તો ધ્યાનમાં રાખવા જ પડે.''


યુક્રેનની પરિસ્થિતિને 'મહાભારત' સાથે સરખાવતાં તેમણે કહ્યું હતું કે 'જીવન ઘણું જ જટિલ છે, આપણી પસંદગીઓ બ્લેક એન્ડ વ્હાઇટ' (આ સારૂં કે તે સારૂં) તે પ્રમાણે થઈ શકે તેમ નથી. તેથી તે યુદ્ધ ફેબુ્રઆરીમાં શરૂ થયું ત્યારથી ભારતે યોગ્ય માર્ગ જ અપનાવ્યો છે. અત્યારે સૌથી મહત્વનો મુદ્દો તો તે સંઘર્ષ શમાવવાનો છે, વધારવાનો નથી. કારણ કે સંઘર્ષ વધતાં તે નુકસાન જ કરે તેમ છે. ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધ નિવારવા તમામ પ્રયત્નો કર્યા હતા અને મંત્રણા તતા વિવાદના રાજકીય ઉકેલો માટે આ જણાવ્યું હતું. યુક્રેન યુદ્ધ સંબંધે તેમણે કહ્યું હતું કે ભારતે દાવમાં મુકાયેલા તેના ઐતિહાસિક અને વ્યૂહાત્મક મુદ્દાઓ પણ વિચારવા રહ્યા. સાથે ઈંધણ, અન્ન અને ખાતરની ઉણપ વિષે પણ વિચારવું રહ્યું. એસ. જયશંકરે વધુમાં કહ્યું હતું કે, જ્યારે વિશ્વના (નાગરિક)ને તે સંઘર્ષથી ઘણી ગંભીર અસર થઈ રહી છે. ત્યારે વધુ ડહાપણભર્યા અને નરમ ધ્વનિ ઉચ્ચારવાની અનિવાર્યતા ઉભી થઈ છે. તો બીજી તરફ ભારતે પોતાનાં હિતો પણ જાળવવા જ જોઈએ.


દક્ષિણ એશિયાના દેશોનો ઉલ્લેખ કરતાં ભારતના વિદેશમંત્રીએ કહ્યું હતું કે આ વિસ્તારના દેશો ભારત તરફ જોઈ રહ્યા છે. ભારતની 'પાડોશી પહેલો' તે નીતિ સમગ્ર પરિસ્થિતિને નવો વળાંક આપી રહી છે. સાથે સામું વળતર ન મળે તો પણ તે વિષે વિચારવું ન જોઈએ, તમો મોટા છો. તમારે મોટું હૃદય રાખવું જોઈએ.