છેલ્લા 24 કલાકના નવા કેસમાં દુનિયામાં ભારત નંબર વન

April 07, 2021

વોશિંગ્ટન : ભારત સંક્રમણની બીજી લહેરની ઝપેટમાં આવી ચૂક્યું છે, જ્યારે દુનિયાના 22 દેશ એવા છે, જ્યાં હવે કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. એમાં બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા જેવા દેશ પણ સામેલ છે. આ વચ્ચે સંક્રમણની બીજી લહેર અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

દુનિયાને સૌથી વધુ કોરોનાની બીજી લહેરે નુકસાન પહોંચાડ્યું છે. આ તબક્કામાં સૌથી વધુ કેસ તો વધ્યા જ, પણ સાથે સૌથી વધુ મૃત્યુ પણ થયાં છે. અમેરિકાના આંકડા પર નજર નાખીએ તો પ્રથમ તબક્કામાં અહીં એક જ દિવસની અંદર સૌથી વધુ 80 હજાર દર્દી મળ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં એમાં 1000%નો વધારો થયેલો જોવા મળ્યો છે. આ તબક્કામાં એક જ દિવસની અંદર 3.80 લાખથી વધુ નવા દર્દી મળ્યા છે. આ જ પ્રમાણે, બ્રાઝિલમાં પ્રથમ તબક્કામાં એક દિવસની અંદર 70 હજાર કેસ સામે આવ્યા હતા, જ્યારે બીજા તબક્કામાં આ વધીને 97 હજારને પાર થઈ ગયા. અહીં હવે ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.

ભારતમાં ગત દિવસે 1.15 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 59,700 દર્દી સ્વસ્થ થયા અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે નવા કેસોની દૃષ્ટિએ મહારાષ્ટ્ર વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આ અંગે હવે બ્રાઝિલ અને અમેરિકા જ એનાથી આગળ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55,469 નવા કેસ નોંધાયા છે. 34,256 સાજા થયા, જ્યારે 297 લોકો મૃત્યુ પામ્યા છે.