ભારતનો શ્રીલંકા સામે વનડે અને ટી 20 સિરીઝનો કાર્યક્રમ જાહેર

June 07, 2021

નવી દિલ્હીઃ ભારતીય ટીમ 13થી 25 જુલાઈ વચ્ચે શ્રીલંકામાં ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. બ્રોડકાસ્ટર સોનીએ સોશિયલ મીડિયા દ્વારા શ્રીલંકાના સીમિત ઓવરના પ્રવાસના કાર્યક્રમની જાહેરાત કરી છે. મહત્વનું છે કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ત્યારબાદ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા આ સમયે ઈંગ્લેન્ડમાં છે. જે ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા છે, તે શ્રીલંકા જનારી ટીમમાં હશે નહીં. તેવામાં શ્રીલંકાના પ્રવાસ માટે ઘણા યુવા ખેલાડીઓને તક મળી શકે છે. 


ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને હાર્દિક પંડ્યા કેપ્ટનશિપની દોડમાં છે. જો શ્રેયસ અય્યર ફિટ થઈ જશે તો તે પણ કેપ્ટનનો વિકલ્પ બની શકે છે. સોની સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર કાર્યક્રમની જાહેરાત કરી છે. ચેનલે કાર્યક્રમની સાથે ટ્વીટ કર્યું- ભારતના મોજા શ્રીલંકાના કિનારા સામે ટકરાશે. 


વનડે મુકાબલા 13, 16 અને 18 જુલાઈએ રમાશે. જ્યારે ટી20 સિરીઝના મુકાબલા 21, 23 અને 25 જુલાઈએ રમાશે. મેચો માટે સ્થળની જાહેરાત થવાની બાકી છે. આ વચ્ચે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટેસ્ટ ટીમ 18 જૂનથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે યૂકેમાં છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.