ભારતે WTAની ફાઈનલમાં પ્રવેશવા માટે અમદાવાદ ટેસ્ટ જીતવી પડશે

March 04, 2023

ઈન્દોર: ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રીજી ઈન્દોર ટેસ્ટ જીતી લઈને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે ભારતનો ઈંતજાર લંબાયો છે. ભારતે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશવા માટે ઓસ્ટ્રેલિયા સામે ૯ માર્ચથી અમદાવાદમાં રમાનારી શ્રેણીની ચોથી  અને આખરી ટેસ્ટ જીતવી જ પડે તેમ છે. જો ભારત અમદાવાદમાં રમાનારી ટેસ્ટ હારી જાય તો પણ તેની ફાઈનલમાં પ્રવેશવાની તક વધુ ઉજ્જવળ છે. ભારતની સાથે શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશવા માટે સ્પર્ધામાં છે, પણ તેની શક્યતા ખુબ જ ઓછી છે. ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટીમના ક્રમાંક પર્સન્ટેજ પોઈન્ટ્સના આધારે અપાય છે. ઓસ્ટ્રેલિયાએ ૧૧ વિજય, ૪ ડ્રો અને ૩ હાર સાથે ૧૯ ટેસ્ટમાં કુલ ૧૪૮ પોઈન્ટ્સ અને ૬૮.૫૨ પર્સન્ટેજ મેળવ્યા છે. તેઓ આખરી ટેસ્ટ હારે તો પણ ફાઈનલમા તેમનું સ્થાન નક્કી છે.
ભારતના ૧૭ ટેસ્ટમાં ૧૦ જીત અને બે ડ્રો તેમજ પાંચ હાર સાથે ૧૨૩ પોઈન્ટ અને ૬૦.૨૯ પર્સન્ટેજ છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારત છેલ્લી ટેસ્ટ જીતે તો તેના ૬૨.૫ પર્સન્ટેજ થાય અને તે ફાઈનલમાં પ્રવેશે. ભારતની જીતની સ્થિતિમાં તે અન્ય કોઈ મેચના પરિણામની રાહ વિના ફાઈનલમાં પ્રવેશશે. જો ભારત આખરી ટેસ્ટ હારે કે પછી મેચ ડ્રો અથવા ટાઈ થાય તો પણ ટીમની ફાઈનલ પ્રવેશની આશા ઉજ્જવળ છે. ભારત જો અમદાવાદમાં હારે તો તેના ૫૬.૯૪ પર્સન્ટેજ થઈ જાય. આવી સ્થિતિમાં શ્રીલંકાને તક રહે. જોકે આ માટે શ્રીલંકાએ ન્યુઝીલેન્ડ પ્રવાસમાં બે ટેસ્ટની શ્રેણી ૨-૦થી જીતવી પડે, જેની શક્યતા નહીવત્ છે. જો તેઓ ૨-૦થી શ્રેણી જીતે તો તેમના ૬૧.૧૧ પર્સન્ટેજ થાય અને તેઓ ભારતને બહાર ફેંકીને ફાઈનલમાં પ્રવેશે. અલબત્ત, જો શ્રીલંકા ૧-૦થી શ્રેણી જીતે અને એક ટેસ્ટ ડ્રો થાય તો તેમના પર્સન્ટેજ ૫૫.૫૫ જ થાય અને ભારત હારવા છતાં ફાઈનલમાં પ્રવેશે. ન્યુઝીલેન્ડનું ઘરઆંગણાનું ફોર્મ જોતા શ્રીલંકાની બંને ટેસ્ટ તો શું એક ટેસ્ટ પણ જીતે તેમ લાગતું નથી.