ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા, 97 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

September 23, 2024

ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પહેલીવાર ભારતે મહિલા અને ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં યોજાયેલા 45માં ચેસ ઓલિમ્પિયાડમાં ડી ગુકેશ અને અર્જુન એરીગેસિએ ઓપન સેક્શનમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો, બાદમાં મહિલા કેટેગરીમાં પણ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીતી ઓલિમ્પિયાડ ઈતિહાસના 97 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. 
ભારતે ઇતિહાસ રચ્યો ચેસ ઓલિમ્પિયાડના 97 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર થયું છે જ્યારે ભારતે બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. 45માં ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે રશિયાના ચેસ ગ્રાન્ડમાસ્ટર વ્લાદિમીર ફેડોસીવને મ્હાત આપી હતી, જ્યારે એરિગેસિએ સ્લોવેનિયાના જાન સુબેલને હરાવ્યો હતો. ઓપન કેટેગરીમાં પુરુષ ટીમમાં ડી. ગુકેશ, અર્જુન એરિગેસિ, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણ, આર. પ્રજ્ઞાનંદ, શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા કેટેગરીની ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતે સામેલ હતા.ચેસ ઓલિમ્પિયાડના ઇતિહાસમાં ભારતે ક્યારેય આવી સફળતા હાંસલ કરી નહોતી. ભારતે વર્ષ 2014માં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ત્યાર પછી બે વર્ષ પહેલા યોજાયેલા ઓલિમ્પિયાડમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે સતત 8 મુકાબલા જીત્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઉઝબેકિસ્તાન સાથે ડ્રો કર્યું હતું. ત્યાર બાદ ટોચના સ્થાન પર રહેલી અમેરિકન ટીમને હરાવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.