ભારતીય સૈન્યએ હાથ ધર્યું આઝાદી પછીનું સૌથી મોટું ‘લોજિસ્ટિક ઓપરેશન’, દુનિયાભરમાં ફફડાટ

September 27, 2020

પૂર્વ લદ્દાખમાં એલએસી પર છેલ્લા પાંચ મહિનાથી ચીની સેના સાથે સંઘર્ષ કરેલી ભારતીય સેનાની આર્મ્ડ ડિવિઝનો સમુદ્રની સપાટીથી 14,500 ફૂટની ઊંચાઇએ આવેલી વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિમાં ટેન્કો અને ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ સાથે ચીની સેનાનો મુકાબલો કરવા સંપૂર્ણ સજ્જ છે. એલએસી પર ચીની સેના સાથેનો તણાવ લાંબો સમય ચાલશે તેવી સંભાવનાને જોતાં ભારતીય સેનાએ લદ્દાખના કાતિલ શિયાળાનો સામનો કરવા માટે પણ યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દીધી છે.

ભારતીય સેનાના સૈનિકો માટે નવા શેલ્ટર અને પ્રિફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર ઊભા કરવાની તડામાર કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે ભારતીય સેનાની યુદ્ધની તૈયારીઓ અંગેનો વીડિયો જારી કર્યો હતો જેમાં પૂર્વ લદ્દાખમાં એલએસી નજીકના અગ્રિમ સ્થાનો પર ભારતીય સેનાની ટી-90 અને ટી-72 ટેન્કો તથા બીએમપી ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ જોઇ શકાય છે. લદ્દાખમાં એલએસી પર માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ આ ટેન્કો અને ઇન્ફન્ટ્રી વ્હિકલ્સ કામગીરી કરી શકે છે. આ ટેન્કો પૂર્વ લદ્દાખના ચુમાર અને દેમચોક વિસ્તારોમાં તહેનાત કરાઇ છે.

ભારતીય સેનાના મેજર જનરલ અરવિંદ કપૂરે ટેન્ક તહેનાત કરાઇ છે તે વિસ્તારમાં જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખના આ વિસ્તારમાં શિયાળામાં તાપમાન માઇનસ 35 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ ભારતીય સેના અને વિશ્વની એવી ટુકડી છે જે આ પ્રકારના વિષણ વાતાવરણમાં મિકેનાઇઝડ ફોર્સ તહેનાત કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારના વિસ્તારમાં ટેન્કો, ઇન્ફન્ટ્રી વ્હિકલ્સ અને હેવી ગન્સની જાળવણી એક કપરું કામ છે. ભારતની આર્મર્ડ રેજિમેન્ટો ગણતરીની મિનિટોમાં એલએસી પર પહોંચી જવાની ક્ષમતા ધરાવે છે.


14,500 ફૂટની ઊંચાઈએ શિયાળાનો સામનો કરવા સેનાનો ધમધમાટ

એલએસી પર સેનાની તૈયારીના ઇન્ચાર્જ મેજર કપૂરે જણાવ્યું હતું કે, 14,500 ફૂટની ઊંચાઇએ ભારતીય સેના માટે શિયાળા માટેના વિશેષ કપડાં, ઇંધણ, સ્પેરપાર્ટ્સની વ્યવસ્થા કરી દેવાઇ છે. શિયાળાનો સામનો કરવા માટે સૈનિકોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત યુદ્ધના ધોરણે સૈનિકો માટે કન્ટેનર શેલ્ટર અને બેરલ શેલ્ટર તૈયાર કરાઇ રહ્યાં છે. સૈનિકોના મનોરંજન માટે ટેલિવિઝન સેટ અને સેટટોપ બોક્સ કનેક્શન પણ અપાયાં છે. સૈનિકો માટે ભોજન, હિટિંગ એપ્લાયન્સ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.