અમેરિકાના લોસ એન્જેલસના ગ્રોસરી સ્ટોરમાં ભારતીયની ગોળી મારી હત્યા

February 25, 2020

વોશિંગ્ટન : અમેરિકામાં લોસ એન્જલસમાં એક ભારતીયની ગોળી મારી હત્યા કરી દેવામા આવી છે. સ્થાનિક સમય અનુસાર શનિવાર સવારે એક ગ્રોસરી સ્ટોર્સમાં માસ્ક પહેરેલા બંદૂકધારીએ મનિન્દરસિંહ સાહીની ગોળી મારી હત્યા કરી હતી. ગયા મહિને જ 31 વર્ષન પૂર્ણ થઇ ચૂકેલા મનિન્દર સિંહ બે બાળકોના પિતા હતાં. 

કરનાલના રહેવાસી છ મહિના પહેલા જ અહીં આવ્યા અને રાજકીય શરણની માગ કરી હતી. તે કેલિફોર્નિયાના લોસ એન્જેલસ શહેરના સેવન-ઇલેવન ગ્રોસરી સ્ટોર્સમાં નોકરી કરતો હતો. 

અમેરિકામાં વસતા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના પરિવારના તે એક માત્ર કમાઉ સભ્ય હતાં અને પત્ની તથા બાળકો માટે ઘરે નાણા મોકલતા હતાં. પોલીસના  જણાવ્યા અનુસાર આ ઘટના શનિવાર સવારે 5.43 વાગ્યે બની હતી. 

પ્રાથમિક તપાસમાં આ હત્યા લૂટના ઇરાદાથી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર લૂટના ઇરાદાથી સેમી ઓટોમેટિક ગન લઇને ઘૂસેલી વ્યકિતને મનિન્દર સિંહને ગોળી મારી હતી. 

પોલીસે શંકાસ્પદ હુમલાખોરનો ફોટો જારી કરી જણાવ્યું છે કે અજ્ઞાાત કારણોસર શંકાસ્પદ હુમલાખોરે કલાર્ક પર ગોળી ચલાવી તેની હત્યા કરી હતી. હુમલાખોર ઘટના સ્થળેથી ભાગી  જવામાં સફળ રહ્યાં હતાં. 

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે સ્ટોર્સમાં બે ગ્રાહકો પણ હાજર હતાં. અને બંને ગ્રાહકો પણ ઘાયલ થયા છે. શંકાસ્પદ હુમલાખોર અશ્વેત અને પુખ્ત વયની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉંચાઇ અંદાજે પાંચ ફૂટ સાત ઇંચ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

હુમલાખોરે પોતાનો ચહેરો આંશિક રીતે ઢાંકેલો હતો. પીડિતના ભાઇએ મૃતદેહને ભારત મોકલવા માટે ભંડોળ એક્ત્ર કરવા ગોફંડ પેજની રચના કરી છે. તેના ભાઇએ ગોફંડ પેજ પર લખ્યું છે કે તે પોતાની પાછળ માતા-પિતા, પત્ની અને બે બાળકોને છોડીને ગયો છે. બાળકોની ઉંમર પાંચ અને નવ વર્ષ છે. હું તેના મૃતદેહને ભારત મોકલવા માટે મદદ માગુ છું. જેથી તેના પત્ની અને બાળકો તેનો ચહેરો અંતિમ વખત જોઇ શકે.