ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર

February 19, 2023

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની (IND vs AUS)જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ પછી, બંને ટીમો વચ્ચે 17 માર્ચથી વનડે શ્રેણી શરૂ થશે. 3 મેચની શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં રમી શકશે નહીં. BCCIએ જણાવ્યું કે રોહિત પારિવારિક કારણોસર સીરિઝની પ્રથમ મેચ રમી શકશે નહીં. તેની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. આ સાથે બીસીસીઆઈએ અંતિમ બે ટેસ્ટ માટે પણ ટીમ જાહેર કરી છે. 

2013માં ભારત માટે છેલ્લી વનડે રમનાર જયદેવ ઉનડકટને આ શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઉનડકટે ભારત માટે 7 વનડે રમી છે. જેમાં તેની 8 વિકેટ છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાની પણ ટીમમાં વાપસી થઈ છે. એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર રહેલો અય્યર પણ વાપસી કરી ચૂક્યો છે.

ત્રણ મેચની શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ અને ટી20ની જેમ ભારત વનડે રેન્કિંગમાં પણ ટોપ પર છે. જો રોહિત શર્મા પ્રથમ વનડે નહીં રમે તો તેના સ્થાને ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. 17 માર્ચે મુંબઈમાં ODI શ્રેણીની પ્રથમ મેચ બાદ બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. રોહિત આ મેચથી ટીમ સાથે જોડાશે. શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 

વનડે સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (ડબલ્યુકે), હાર્દિક પંડ્યા (વીસી), આર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર. , અક્ષર પટેલ , જયદેવ ઉનડકટ
-ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ. 
----------
જાડેજા-અશ્વિન છવાયા, ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ
દિલ્હીઃ IND vs AUS: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે છ વિકેટે જીત મેળવી છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા જરૂર મજબૂત સ્થિતિમાં હતી પરંતુ ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ જીત સાથે ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો હતો. તેણે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ઉસ્માન ખ્વાજા (81) અને પીટર હેન્ડ્સકોમ્બ (72) સિવાય અન્ય કોઈ બેટ્સમેન અહીં ટકી શક્યો નહોતો અને ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 અને જાડેજા અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી. આ પછી પ્રથમ દિવસે ભારતીય ટીમે પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા હતા.

બીજા દિવસની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો ભારતીય બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવતા જોવા મળ્યા હતા. હાલત એવી હતી કે ભારતીય ટીમ 139 રનમાં 7 વિકેટ ગુમાવીને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. અહીંથી, અક્ષર પટેલ અને આર અશ્વિને 114 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને ફરી જીવંત કરી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 5 અને ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેનને 2-2 વિકેટ મળી હતી.