કેનેડામાં પોતાનાં સગાંને નોકરી અપાવી શકશે ભારતીયો:ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારથી 2 લાખ વિદેશીને ફાયદો થશે

December 05, 2022

કેનેડામાં ઇમિગ્રેશન પોલિસીમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેથી ત્યાં કામ કરતા ભારતીયોને તેનો ફાયદો થશે. કેનેડા સરકારે નિર્ણય લીધો છે કે ત્યાં કામ કરતા અન્ય દેશોના લોકોના પરિવારના સભ્યોને પણ વર્ક પરમિટ આપવામાં આવશે. જેથી કેનેડામાં કામ કરતા લોકો પોતાના પ્રિયજનોને પણ ત્યાં નોકરી અપાવી શકશે. આ પરમિટ માત્ર હંગામી વર્કરો માટે જ હશે. જે આગામી વર્ષથી અમલમાં મુકાય તેવી શક્યતા છે.

કેનેડાના ઇમિગ્રેશન અને શરણાર્થી મંત્રી શોન ફ્રેઝરે શુક્રવારે આ માહિતી આપી હતી. બહારથી આવતા વર્કરોના આરોગ્ય, આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પોલિસી લાગુ થયા બાદ કેનેડામાં રહેતા વિદેશી વર્કરો તેમના પરિવારના સભ્યો સાથે રહી શકશે, જેથી તેઓ તેમના કામમાં વધુ ધ્યાન આપી શકશે. આ પોલિસી પહેલાં, માત્ર ઉચ્ચ કુશળ કામદારોના પરિવારના સભ્યોને કેનેડામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે બે વર્ષ માટે લાગુ કરવામાં આવતી નવી પોલિસી બાદ આમાં ફેરફાર થશે. ત્યાં કામ કરતી કોઈપણ હંગામી વ્યક્તિ ત્યાં તેના પરિવારના સભ્યો માટે વર્ક પરમિટ મેળવી શકશે. એક અંદાજ મુજબ નવી પોલિસીથી લગભગ બે લાખ વિદેશી વર્કરોને ફાયદો થવાની આશા છે. 

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે અગાઉ પણ દેશમાં લેબર ફોર્સની અછતને કારણે પ્રવાસીઓને કામ કરવાની તક આપવાની વાત કરી હતી. કેનેડાને અર્થતંત્ર સુધારવા માટે વધુ લોકોની જરૂર છે. આ જરૂરિયાતને પહોંચી વળવા કેનેડાએ ઈમિગ્રેશન લેવલ પ્લાન 2023-25 ​​અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં દેશમાં 14.5 લાખ ઈમિગ્રન્ટ્સને નોકરી આપવાની યોજના બનાવવામાં આવી છે.

મહામારી પછી લોકો કામ છોડી રહ્યા છે
જૂન-જુલાઈ 2022માં, કેનેડાએ COVID-19 મહામારીની 7મી લહેરનો સામનો કર્યો હતો. આ દરમિયાન, 11.2% હોસ્પિટલ સ્ટાફ અને નર્સો પણ સંક્રમણની ઝપેટમાં આવીને બીમાર પડ્યાં. જેના કારણે કામ કરનાર લોકોની અછત સર્જાઈ હતી અને ઘણી હોસ્પિટલોના ઈમરજન્સી વોર્ડ બંધ કરવાની જરૂર પડી હતી.

કેનેડા 3 વર્ષમાં 15 લાખ લોકોને વિઝા આપશે
કેનેડાએ આગામી ત્રણ વર્ષમાં 15 લાખ પ્રવાસીઓને પોતાને ત્યાં વસાવવાની યોજના બનાવી છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી સી.એન. ફ્રેસરે કહ્યું છે કે વર્ક વિઝા પરમિટ અને અન્ય પ્રક્રિયાઓ ઝડપી કરાશે. કેનેડા સરકારના આ મોટા નિર્ણયથી ભારતીયોને લાભ થવાની શક્યતા છે.

કેનેડામાં હાલ જે વસતી છે તેમની વધતી ઉંમર સૌથી મોટું ચિંતાનું કારણ છે. કેનેડા સરકારનું માનવું છે કે, જો આ દિશામાં કંઈ નહીં કરાય તો દસથી પંદર વર્ષ પછી દેશની આર્થિક સ્થિતિ કથળવાનું શરૂ થઈ જશે. સ્કૂલો અને હોસ્પિટલોને યોગ્ય રીતે ચલાવવી મુશ્કેલ થઈ જશે. દર પાંચે એક કેનેડિયન બીજા દેશમાંથી આવીને અહીં વસ્યો છે. દેશના 60% નાગરિકો પ્રવાસી પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે.

વર્ષ 2021ની વસતી ગણતરી પ્રમાણે કેનેડામાં આશરે 18.50 લાખ ભારતીય મૂળના નાગરિક છે. તે કેનેડાની કુલ સંખ્યાનો 5% હિસ્સો છે. અહીં મોટા ભાગના ભારતીયો ઓન્ટારિયો અને બ્રિટિશ કોલમ્બિયામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એલબર્ટા અને ક્યુબેકમાં પણ ભારતીયોની વસતી વધી રહી છે.