એડીબી દ્વારા ભારતનો ગ્રોથનો અંદાજ ઘટાડી ૧૦ ટકા કરાયો

July 21, 2021

નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનાં ગ્રોથનો અંદાજ ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવ્યો છે. અગાઉ એપ્રિલ મહિનામાં એડીબીએ ભારતનો ગ્રોથ રેટ ૧૧ ટકા રહેશે તેવી ધારણા વ્યક્ત કરી હતી જેમાં હવે ૧ ટકાનો ઘટાડો કરીને તે ૧૦ ટકા અંદાજવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કેટલાક રાજ્યો દ્વારા પ્રતિબંધો લાદવામાં આવતા ઈકોનોમીની રફ્તાર મંદ પડશે અને ગ્રોથ ઘટશે તેવું અનુમાન રજૂ કરાયું છે. બીજી તરફ એડીબી દ્વારા એવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારતમાં મોટાભાગની વસ્તીને ૨૦૨૨-૨૩ સુધીમાં વેક્સિન અપાઈ ચૂકી હશે. જો કે ભારત સરકાર દ્વારા દેશમાં તમામને ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં વેક્સિન આપી દેવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જો કે આ લક્ષ્ય નિયત સમયમાં પૂર્ણ નહીં થાય તેવું એડીબીનું માનવું છે.  ભારતમાં પેટ્રો પેદાશો તેમજ ખાદ્ય ચીજવસ્તુઓનાં ભાવમાં ધારણા કરતા ઝડપથી વધારો થવાને કારણે એડીબીએ વર્ષ ૨૦૨૧-૨૨માં ફુગાવાનો સરેરાશ દર ૫.૫ ટકાની આસપાસ રહેશે તેવું અનુમાન રજૂ કર્યું છે. અગાઉ ફુગાવો ૫.૨ ટકા રહેવાનો અંદાજ રજૂ કરાયો હતો. આરબીઆઈ દ્વારા રિટેલ ફુગાવો ૫.૧ ટકા રહેશે તેવી ધારણા બાંધવામાં આવી છે.