ભારતની સૌથી મોટી બેંકને Q4માં રૂ. 9113 કરોડનો નફો: રૂ.7.10ના ડિવિડન્ડની જાહેરાત

May 13, 2022

દિલ્હી- ભારત દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 9113 કરોડનો નફો થયો છે. અંતિમ ત્રિમાસિકગાળામાં બેંકનો નફો વાર્ષિક ધોરણે 41% વધ્યો છે. પરિણામોની સાથે બેંકના બોર્ડે 13મી મે, 2022ના રોજ યોજાયેલી બેઠકમાં 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 7.10 (710 ટકા)નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડની ચુકવણીની તારીખ 10 જૂન, 2022 નક્કી કરવામાં આવી છે "તેમ એસબીઆઈએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું.

બેન્કે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 6451 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.બેંકની વ્યાજની ચોખ્ખી આવક (NII)માં નોંધપાત્ર વૃદ્ધિને પગલે બોટમલાઈનને સપોર્ટ મયો છે. દેશની સૌથી મોટી બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત NII જાન્યુઆરી-માર્ચ કવાર્ટર દરમિયાન 15.26 ટકા વધીને રૂ. 31,198 કરોડ થઈ છે, જે Q4FY21માં રૂ. 27,067 કરોડ હતી. ત્રિમાસિક ધોરણે બેંકની વ્યાજની આવક રૂ. 30,687 કરોડથી 1.6 ટકા વધી છે. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 29 બેસિસ પોઈન્ટ વધીને 3.40% થયા છે. જોકે બેંકનો નફો અને વ્યાજની આવક માર્કેટના અંદાજ કરતા ઓછા છે. ચોખ્ખો નફો રૂ. 11,000 કરોડની આસપાસ અને NII રૂ. 32,100 કરોડ થવાનો અંદાજ હતો.


SBIની એસેટ ક્વોલિટીમાં સુધરો નોંધાયો છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) આંકડાકીય દ્રષ્ટિએ રૂ. 1.2 લાખ કરોડની સામે ઘટીને રૂ. 1.12 લાખ કરોડ થયા છે. નેટ એનપીએ પણ અગાઉના ક્વાર્ટરના રૂ. 34,540 કરોડની સરખામણીએ ઘટીને રૂ. 27,966 કરોડ થયા છે.


ટકાવારીની દ્રષ્ટિએ ગ્રોસ અને નેટ એનપીએ અનુક્રમે 53 bps અને 32 bps સુધરીને 3.97 ટકા અને 1.02 ટકા રહ્યાં છે.
આ સિવાય બેંકે ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 7237.45 કરોડના પ્રોવિઝન પણ કર્યા છે. ગત ડિસેમ્બર કવાર્ટરના નવા ઉમેરાયેલા 3069 કરોડના એનપીએની સામે આ વર્ષે માર્ચ કવાર્ટરમાં રૂ. 3,261.7 કરોડના એનપીએ માટે પ્રોવિઝન થયા છે. 31 માર્ચ, 2022ના રોજ પ્રોવિઝન કવરેજ રેશિયો (PCR) 90.20 ટકા છે.