કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બીજો મેડલ : વેઈટલિફ્ટિંગમાં ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ જીત્યો

July 30, 2022

અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે શનિવારનો દિવસ શાનદાર રહ્યો છે. વેઈટલિફ્ટિંગમાં જ ભારતને આજે બીજો મેડલ મળ્યો છે. ભારતીય વેઇટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ પુરુષોની 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો મેડલ છે. આ મેચમાં પણ ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંજીલે જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીના મોરે બેઉ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ગુરુરાજ પૂજારીએ માત્ર 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો હતો. પૂજારીએ સ્નેચમાં 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું. આજે કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે ભારતનું મેડલનું ખાતું ખૂલ્યું હતુ. ભારત તરફથી સંકેત મહાદેવ સરગરે દેશને પ્રથમ મેડલ જીત્યો છે. 21 વર્ષીય સંકેત મહાદેવ સરગરે 55 કિગ્રા વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.

આ કેટેગરીમાં પણ મલેશિયાના વેઈટ લિફ્ટર બિન કાસદાને 142 કિગ્રાનું વજન સફળતાપૂર્વક ઉપાડીને ગોલ્ડ પોતાના નામે કર્યો છે. 

સંકેતના સિલ્વર મેડલ સાથે આ ટૂર્નામેન્ટમાં ભારતના મેડલ ટેબલમાં ખાતું ખૂલ્યું છે.