વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનું પલડું ભારે થતા પાકિસ્તાનનાં પેટમાં ચૂંક આવી

March 01, 2021

જો ટીમ ઇન્ડિયા (Team India) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઇનલમાં પહોંચે છે તો આ વર્ષે જૂનમાં યોજાનાર એશિયા કપ (Asia Cup) ટળી જશે. આવું કહેવું છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ એહસાન મનીનું. કરાચીમાં મીડિયા સાથે વાતચીતમાં મનીએ કહ્યું કે,’તારીખો તકરાઇ રહી છે. અમને લાગે છે કે, ટૂર્નામેન્ટને 2023 સુધી આગળ વધારી દેવી જોઇએ.’

પીસીબીના સીઇઓ વસીમ ખાન (PCB CEO Wasim Khan)નું પણ આવું જ કહેવું છે. તેમના અનુસાર પણ ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે તે નક્કી છે. જે આ વર્ષે 18 જૂનનાં રોજ લંડનનાં ઐતિહાસિક મેદાન લૉર્ડસ (Lord’s Cricket Ground)માં રમાશે. એશિયા કપનું આયોજન પણ જૂન મહિનામાં જ થવાનું છે, જેની યજમાની શ્રીલંકા કરશે. ગત વર્ષે આ ટૂર્નામેન્ટ કોરોના મહામારીના કારણે યોજાઇ ન હતી.

ટી-20 વિશ્વ કપ (T20 World Cup) પણ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે, જેની યજમાની ભારત કરશે. પાકિસ્તાનનાં સામેલ થવા પર હજૂ પણ શંકા યથાવત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે પણ આજે વધુ એક વખત આ મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રાખી છે. મનીએ કહ્યું કે, ભારત જ્યાં સુધી તેમની ટીમ, પ્રશંસકો અને પત્રકારાને વિઝા આપવાનો લેખિતમાં આશ્વાસન આપતું નથી, ત્યાં સુધી તેઓ ટૂર્નામેન્ટ યૂએઇમાં કરવાની માંગ કરતા રહેશે. બોર્ડે આઇસીસીને પોતાના વિચારોથી અવગત કરાવી દીધુ છે.