ભારત-આફ્રિકાની ટીમનું રાજકોટમાં આગમન, કાઠિયાવાડની પરંપરા મુજબ સ્વાગત

June 15, 2022

રાજકોટઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝનો ચોથો મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાનો છે. 17 જૂને રમાનાર ટી20 મેચ માટે આજે ભારતીય અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી ચુકી છે. રાજકોટ પહોંચેલા બંને ટીમના ખેલાડીઓનું સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 


ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ ચોથી ટી20 મેચ રમવા માટે રાજકોટ પહોંચી ચુકી છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજીમાં પહોંચી છે. જ્યારે આફ્રિકાની ટીમ હોટલ ફોર્ચ્યુનમાં રોકાવાની છે. બંને ખેલાડીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું. એરપોર્ટ ખેલાડીઓને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર રહ્યાં હતા. તો હોટલમાં ખેલાડીઓ પહોંચ્યા તો તેમું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કાઠિયાવાડની પરંપરા મુજબ રાસ-ગરબા પણ જોવા મળ્યા હતા. 

સામાન્ય રીતે ક્રિકેટ ટીમ રાજકોટ આવે એટલે તેમને ગુજરાતી ભોજન પીરસવાની વર્ષોથી પરંપરા છે. આ પરંપરા જળવાઈ રહે તે માટે સયાજી હોટલ દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઢોકળી, રાજસ્થાની દાલબાટી, ઘૂઘરા, ઘેવર રબડી, કૈર સાંગરી, ઈન્દોરી ચાટ પીરસવામાં આવશે. વડોદરાથી આવતા ખાસ રસોયા દ્વારા બનાવવામાં આવેલો વઘારેલો રોટલો પણ ક્રિકેટરોને જમાડવામાં આવશે.