રાજકોટ એરપોર્ટ પર ભારત-દ.આફ્રિકાની ટીમનું રજવાડી સ્વાગત, રાસ-ગરબાની રમઝટ સાથે તિલક અને ફૂલહારથી આવકાર્યા

June 16, 2022

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે તેને જોવા માટે એક માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્રિકેટરસિકો મેચ જોવા ઉમટી પડતાં હોય છે. આગામી 17 જૂનને શુક્રવારના રોજ SCA સ્ટેડિયમ પર ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T-20 મેચના ‘સાક્ષી’ બનવા માટે પણ ક્રિકેટરસિકો થનગની રહ્યા છે. આજથી રાજકોટ ‘ક્રિકેટમય’ બની ગયું છે કારણ કે ક્રિકેટરો આજથી રાજકોટ આવી પહોંચ્યા છે. ગઈકાલે વિશાખાપટ્ટનમમાં ત્રીજી T-20 મેચ રમ્યા બાદ બન્ને ટીમના ખેલાડીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટેલ ખાતે રાજકોટની ઓળખ અને પરંપરા મુજબ ખેલૈયાઓએ ગરબે ઘૂમી કંકુ-તિલક અને ફુલહારથી ભારતીય ટીમના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે બપોરે 1 વાગ્યે દક્ષિણ આફ્રિકાની ટીમ સ્ટેડિયમ પર પરસેવો પાડશે તો સાંજે 5 વાગ્યાથી ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પર પહોંચીને નેટ પ્રેક્ટિસ કરશે. રાજકોટના SCA સ્ટેડિયમની પીચ બેટિંગ પીચ માનવામાં આવી રહી છે અને ભારત તેમજ દક્ષિણ આફ્રિકા એમ બન્ને ટીમમાં એક-એકથી ચડિયાતા બેટ્સમેન હોવાને કારણે અહીંની બેટિંગ ફ્રેન્ડલી પીચ ઉપર રનોનું રમખાણ થશે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી.