ભારત-શ્રીલંકા પહેલી વન-ડે:શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ, વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 45મી સેન્ચુરી ફટકારી; રોહિતના 83 રન

January 10, 2023

ટીમ ઈન્ડિયા મંગળવારે શ્રીલંકા સામે વર્ષની પહેલી વન-ડે રમશે. આ મેચ આસામના ગુવાહાટીમાં રમાઈ રહી છે. શ્રીલંકાને પહેલી વન-ડે જીતવા માટે 374 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન કર્યા હતા. તો રોહિત શર્માએ 67 બોલમાં 83 રન અને શુભમન ગિલે 60 બોલમાં 70 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કસુન રજીથાએ 3 વિકેટ, જ્યારે દિલશાન મદુશંકા, ચમિકા કરુણારત્ને, દાસુન શનાકા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી.

 ટીમ ઈન્ડિયાના લેજેન્ડરી ક્રિકેટર વિરાટ કોહલી હવે ફરી પોતાના જૂના ફોર્મમાં આવી ગયા છે. તેઓએ સતત બીજી વન-ડે સિરીઝમાં સેન્ચુરી ફટકારી છે. આ તેમની વન-ડે કરિયરની 45મી સેન્ચુરી હતી. તો ઈન્ટરનેશનલ કરિયરની 73મી સદી હતી. આમ તો આ તેમની સતત બીજી મેચમાં બીજી સદી કહેવાય, કારણ કે બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં પણ તેઓએ સદી મારી હતી. 

પહેલી: શુભમન ગિલ 60 બોલમાં 70 રન કરીને કેપ્ટન દાસુન શનાકાની બોલિંગમાં LBW આઉટ થયો હતો.
બીજી: કેપ્ટન રોહિત શર્મા 67 બોલમાં 83 રન કરીને દિલશાન મદુશંકાની બોલિંગમાં બોલ્ડ થયા હતા.
ત્રીજી: શ્રેયસ અય્યર ધનંજય ડિ સિલ્વાના બોલ પર સ્વિપ શોટ ફટકારીને છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શોટમાં ટાઇમિંગ ના હોવાના કારણે તે આઉટ થયો હતો. તેનો કેચ અવિષ્કા ફર્નાન્ડોએ પકડ્યો હતો.
ચોથી: કેએલ રાહુલ કસુન રજીથાની બોલિંગમાં સ્વિપ શોટ મારવા જતા બોલ્ડ થયો હતો.
પાંચમી: હાર્દિક પંડ્યા 14 રને આઉટ થયો હતો. તે રજીથાની બોલિંગમાં લોંગ-ઓન પરથી છગ્ગો મારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો હતો.
છઠ્ઠી: અક્ષર પટેલ 9 રને ચમિકા કરુણારત્નેની બોલિંગમાં કેચઆઉટ થયો હતો.
સાતમી: વિરાટ કોહલી 87 બોલમાં 113 રન કરીને રજીથાની બોલિંગમાં કેચઆઉટ થયા હતા.

રોહિત-ગિલ વચ્ચે 143 રનની પાર્ટનરશિપ
શ્રીલંકા સામેની પહેલી વન-ડેમાં ટૉસ હારતાં ટીમ ઈન્ડિયાને પહેલી બેટિંગ કરી હતી. ત્યાપે બન્ને ઓપનર્સે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ઓપનર રોહિત શર્માએ વન-ડે કરિયરની 47મી ફિફ્ટી ફટકારી હતી. તો શુભમન ગિલે વન-ડે કરિયરની 5મી ફિફ્ટી પૂરી કરી હતી. આ બન્ને પ્લેયર્સ વચ્ચે 118 બોલમાં 143 રનની પાર્ટનરશિપ થઈ હતી.

રોહિતે 27મી વખત ઓપનિંગ કરતાં 100+ રનની પાર્ટનરશિપ કરી હતી. ગિલની પહેલા શિખર ધવન સાથે 18 વખત, 5 વખત કેએલ રાહુલ અને 3 વખત અજિંક્ય રહાણેની સાથે પણ 100 રનની પાર્ટનરશિપ કરી છે.

રોહિત શર્માએ વન-ડે ઈન્ટરનેશનલમાં 9500 રન પૂરા કર્યા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આજે વન-ડે ઈન્ટરનેશનલમાં 9500 રન પૂરા કર્યા છે. તેમણે 49ની એવરેજથી 9500 રન પૂરા કર્યા છે. આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ હોવાથી ટીમ ઈન્ડિયા ઘણી વન-ડે મેચ રમશે. ત્યારે વન-ડે વર્લ્ડ કપ પહેલા 10,000 રન પૂરા કરી લેશે તેવું લાગી રહ્યું છે. જો તેઓ 10 હજાર રન પૂરા કરશે, તો તેઓ છઠ્ઠા ભારતીય પ્લેયર બનશે. અગાઉ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ 10 હજાર રન પૂરા કર્યા છે.