શ્રીલંકા બાદ પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મુકી : પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, 1 લીટર પેટ્રોલ કિંમત 179.86

May 28, 2022

પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ સતત કથળતી જઇ રહી છે. ગુરુવારે રાતના બાર વાગતા જ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે વધારો કરી દેવાયો હતો. તેની સાથે જ કેરોસીનના ભાવમાં પણ વધારો ઝિંકાયો છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલ લિટર દીઠ 30 રૂપિયા જેટલાં મોંઘાં બન્યાં છે.

દેશમાં એક લિટર પેટ્રોલની કિંમત હાલ 179.86 રૂપિયા થઇ ગઇ છે. પહેલાથી જ મોંઘવારીના મારથી પીડિત પાકિસ્તાની જનતા માટે આ પડયા પર પાટુ જેવી સ્થિતિ છે. ઇંધણના ભાવમાં વધારો થવાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. ઋણ માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે પાકિસ્તાનની વાતચીત નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાન સરકારે ઇંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આઇએમએફએ પાકિસ્તાની નાણાપ્રધાન મિફ્તા ઇસ્માઇલને વસ્તુઓ પરની સબસિડી સમાપ્ત કરવા કહ્યું હતું. બુધવારે આઇએમએફએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે જો પાકિસ્તાનને મદદ જોઇતી હોય તો તેણે ઇંધણ પરની સબસિડી તરત જ હટાવી દેવી જોઇએ.