વડોદરા ગેંગરેપ કેસમાં 1 હજારથી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ

November 24, 2021

- પીડિતાના મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મ હોવાનું નથી જણાયું


વડોદરા- દિવાળીના દિવસે વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની અંદર વડોદરામાં નોકરી કરતી યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવ્યા બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે આ અંગે રેલવે SP પરીક્ષિતા રાઠોડે મહત્ત્વની માહિતી આપી છે.
રેલવે એસપીએ જણાવ્યું કે, આ સમગ્ર બનાવ શરૂઆતથી જ ગંભર છે. પીડિતા પર ગત 29 ઓક્ટોબરે વડોદરાના વૅક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો તેની ડાયરીમાં ઉલ્લેખ છે. જેની શરૂઆતમાં PSI તપાસ કરતા હતા, જે બાદ હવે DySP તપાસ કરી રહ્યા છે.


પોલીસને હજુ સુધી સાઈકલ કે આરોપીનું પગેરુ નથી મળ્યું, પરંતુ તેના માટે પહેલાથીજ પ્રયત્નો થઈ રહ્યાં છે. પોલીસ દ્વારા 35 ટીમો બનાવવામાં આવી છે અને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 25,000 લોકોની કોલ ડિટેઈલ કાઢવામાં આવી છે. જેમાં 7000 રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે, જો પીડિતા જીવિત હોત તો કેસ જલ્દી સોલ્વ થઈ ગયો હોત.


અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સમાં 250 CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે. જ્યારે 300થી વધુ સેક્સ્યુલ ઓફ્રેન્ડરની તપાસ કરાઈ છે અને વેકસીન ઇન્સ્ટિટ્યૂટ આસપાસ અને શહેરના તમામ 1000થી વધુ રિક્ષા ચાલકોની પૂછપરછ કરાઈ છે.


આ સિવાય સિક્યોરિટી, ભંગારીયા અને આસપાસના લોકોની પૂછતાછ કરાઈ છે. ઓસીસ સંસ્થા શરૂઆત કરતાં હમણાં સારો સપોર્ટ આપી રહી હોવાનું પોલીસ કહી રહી છે.  એસપીનું કહેવું છે કે, મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મ હોવાનું જણાઈ આવ્યું નથી કારણ કે દુષ્કર્મ અને પોસ્ટમોર્ટમમાં ગેપ હોવાને કારણે મેડિકલ રિપોર્ટ યોગ્ય આવ્યો નથી. જોકે પોલીસનું માનવું છે કે, 20 દિવસની તપાસમાં રેપ થયો છે તે ચોક્કસ રીતે કહી શકાય કારણ કે યુવતીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હાથે,સાથળે અને પગે વાગેલાનું નિશાન આવ્યું છે.