ગુજરાતમાં કોરોના રોકવાને બદલે સરકાર આંકડા છુપાવે છે: ડૉ. મનિષ દોશી

May 31, 2020

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંકટ ઘેરાતું જાય છે ત્યારે રાજ્યમાં કોરોના સામે સુસજ્જ થઈ લડી કોરોનાને રોકવાની જગ્યાએ ભાજપ સરકાર કોરોના સંક્રમિત લોકોનો આંકડો છુપાવવામાં વ્યસ્ત છે એવો આક્ષેપ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કર્યો છે.


ભાજપ સરકારની બિનલોકતાંત્રિક વહીવટ પર આકરા સવાલ કરતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સામેની આ લડાઈમાં "ટેસ્ટિંગ અને સંક્રમીતોની માહિતી એ બંને મહત્ત્વનાં પરિબળ છે ત્યારે ભાજપ સરકાર ગુજરાતનાં નાગરિકનો માહિતીનો અધિકાર જે લોકતાંત્રિક અધિકાર પણ છે તે કેમ છીનવી રહી છે? ગુજરાતમાં રોગચાળાને લગતી માહિતી અંગેની આટલું અંધારપટ શું કામ? શું ભાજપ સરકાર કોરોના મહામારી સામે લડવામાં સદંતર નિષ્ફળતા નીવડી છે? ગુજરાતની ભાજપ સરકારે કોરોના મહામારીમાં આંકડાઓ છુપાવવા માટે પ્રયત્ન કરવા કરતાં પ્રામાણિક હોવું જરૂરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબદારી સ્વીકારી સાચી માહિતી લોકો સમક્ષ પ્રમાણિકતાથી મુકાવી જોઈએ. કોરોના મહામારીમાં રાજ્યનાં દરેક નાગરિક સુરક્ષિત રહે અને રાજ્યમાં મૃત્ય દરમાં ઘટાડો થાય તેવા હકારાત્મક સૂચનને સ્વીકારવાને બદલે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ સરકાર આંકડાઓ છુપાવાની, આંકડામાં વિસંગતાઓ ઊભી કરવી તે કેટલે અંશે વ્યાજબી?


ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ટેસ્ટિંગ તો ઘટાડી જ રહી છે સાથોસાથ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શહેર મુજબના કેસો, સંક્રમીતોના મૃત્યુ જેવી વિગતોનો પ્રસાર ન કરીને ગુજરાતનાં નાગરિકોના જાહેર આરોગ્ય સાથે રમી રહી છે. ફૂલ ગુલાબી ચિત્ર લોકો સમક્ષ રજૂમાં કરવામાં નિષ્ફળ થતા હવે પ્રેસ બ્રીફિંગ બંધ, કોરોના ડેસ્કબોર્ડમાંથી પણ કોરોના સંક્રમીતોની માહિતી હટાવવી, પ્રેસ નોટમાં આકડાઓની ગૂંચવણતા કરવી વગેરે જેવા હથકંડા અપનાવા મજબૂર બની છે તે કેટલે અંશે વ્યાજબી?