ઇન્ટર મિલાન ક્લબે ૧૧ વર્ષ બાદ સિરી-એ ટાઇટલ જીત્યું, જુવેન્ટ્સનું અભિયાન અટક્યું

May 04, 2021

મિલાન: ઇન્ટર મિલાન ક્લબે લગભગ એક દશકા કરતાં વધારે સમય બાદ પ્રથમ સિરી-એ ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું હતું. મિલાન સિટીમાં
ઉજવણીનો માહોલ છવાયેલો છે. બીજા ક્રમે રહેલી એટલાન્ટાનો સોસુઓલો સામેનો મુકાબલો ૧-૧થી ડ્રો થતાની સાથે જ ઇન્ટર મિલાન ચેમ્પિયન બની છે તેવી
જાહેરાત થઇ હતી. ઇન્ટર મિલાન અન્ય ક્લબો કરતાં ૧૩ પોઇન્ટ આગળ છે અને હવે માત્ર ચાર મુકાબલા રમાવાના બાકી છે. પોતાની ફેવરિટ ક્લબ ઇન્ટર
મિલાન ચેમ્પિયન બની છે તે બાબતને સમર્થન મળતાની સાથે જ હજારો સમર્થકો પિયાઝા ડુમોમાં સિટીના મુખ્ય સ્ક્વેર ખાતે જમા થઇ ગયા હતા. આ
દરમિયાન કોરોના વાઇરસ અંગેના પ્રતિબંધનો ભંગ કરવામાં આવ્યો હતો. તમામે માસ્ક પહેર્યા હતા પરંતુ મોટાભાગનાએ તેને નાકથી નીચે રાખ્યા હતા. 
ઇન્ટર મિલાન ૨૦૧૧ બાદ પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે અને ૨૦૧૦ બાદ આ તેણે પ્રથમ વખત સિરી-એ ટાઇટલ પોતાના નામે કર્યું છે. ઇન્ટર મિલાને
૨૦૧૦માં લીગ, ચેમ્પિયન્સ લીગ તથા ઇટાલિયન કપ જીતીને ટાઇટલની હેટ્રિક નોંધાવી હતી. ઇન્ટર મિલાનના વિજય સાથે જુવેન્ટ્સનું લીગમાં સતત નવ
ટાઇટલ જીતવાના અભિયાનનો અંત આવી ગયો હતો.