‘બોયકોટ ચાઇનીઝ ગુડ્સ’ ઝુંબેશના ધજાગરા, 80 ચીની કંપનીઓના રોકાણને મંજૂરી અપાઇ

July 06, 2022

નવી દિલ્હી : ચાઇનીઝ ચીજવસ્તુઓ અને કંપનીઓના બહિષ્કારની ગુલબાંગો વચ્ચે ભારત સરકાર બેવડુ વલણ અપનાવી રહી છે. ભારત સરકારે 29 જૂન, 2022 સુધીમાં ચાઇનીઝ કંપનીઓ તરફથી મળેલા 382 એફડીઆઇ પ્રસ્તાવમાંથી 80 પ્રસ્તાવને મંજૂરી આપી છે.

એક રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આઇટીઆઇ)માં આ વાત જાણવા મળી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જણાવ્યુ કે, સરકારને ચીની કંપનીઓ તરફથી કુલ 382 એફડીઆઇ પ્રસ્તાવ મળ્યા હતા, જેમાંથી 80 પ્રસ્તાવને મંજૂરી અપાઇ છે. જો કે મંજૂરી થયેલા પ્રસ્તાવથી કેટલુ મૂડીરોકાણ થશે અને કેટલાં પ્રસ્તાવ રિજેક્ટ કરાયા છે તેની સ્પષ્ટ માહિતી નથી.  

અત્રે નોંધનીય છે કે, કોરોના મહામારીના વર્ષ 2020માં લદ્દાખમાં ગલવાન ખીણમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે લોહીયાળ સંઘર્ષ પડોશી રાષ્ટ્રોમાંથી ભારતમાં આવતા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવી હતી. 

કેન્દ્રએ 2021ના મધ્ય સુધી એફડીઆઈ માટે ચીની કંપનીઓની કોઈપણ અરજીઓને મંજૂરી આપી નથી. પરંતુ ત્યારબાદ, સરકારે કેસ-ટુ-કેસ આધારે અરજીઓ પર વિચારણા શરૂ કરી છે.

સરકાર ચાઇનીઝ મૂડીરોકાણ અંગે સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહી હોવાથી એફડીઆઈ દરખાસ્તોને મંજૂરી મળવાની ગતિ ધીમી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સરકાર ઈ-કોમર્સ અને ફાઈનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રો કરતાં મેન્યુફેક્ચરિંગ જેવા મૂડી-સઘન ક્ષેત્રોમાં એફડીઆઈને પ્રાથમિકતા આપી રહી છે.