શેરબજારમાં રોકાણકારોનો ઘસારો, ડીમેટ એકાઉન્ટની સંખ્યા 10 કરોડને પાર

September 06, 2022

અમદાવાદ : કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલ લોકડાઉનમાં ઘરે બેઠા ઓનલાઈન કમાણીનું માધ્યમ બનેલ અને આઈપીઓ બજારના ગરમાવાને કારણે રિટેલ રોકાણકારોના ઘસારાને કારણે ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓગસ્ટ, 2022ના મહિને ભારતમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા છેલ્લા 4 મહિનામાં સૌથી વધુ વધી છે.

કોરોના મહામારીની શરૂઆતમાં મસમોટા કડાકા બાદ ઝડપી રિકવરી અને શેરબજારની ત્યારબાદની એકતરફી ચાલમાં રિટર્ન વધારે મળતા રોકાણકારો ભારતીય દલાલ સ્ટ્રીટ સાથે જોડાવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. માકેટમાં રોકાણકારોના વધતા વિશ્વાસના પરિણામે ભારતના ડીમેટ ખાતાની સંખ્યા પહેલીવાર 10 કરોડને પાર કરી ગઈ છે. ઓગસ્ટ 2022ના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા ઐતિહાસિક ટોચે પહોંચી છે.

ખાસ કરીને કોવિડ બાદ ડીમેટ ખાતાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. કોરોના મહામારી પહેલા ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા લગભગ 4 કરોડ હતી એટલેકે માત્ર અઢી વર્ષના ગાળામાં કુલ રોકાણકારોની સંખ્યામાં 2.5 ગણો વધારો થયો છે.

ગત મહિના સુધી સૌથી મોટા ડિપોઝીટરી CDSL એકલા પાસે લગભગ 7.25 કરોડ ડીમેટ એકાઉન્ટ્સ છે. શેરબજારની તેજી સાથે IPO બજાર અને LICનો આઈપીઓ પણ સૌથી મોટું કી ફેક્ટર રહ્યું છે.