IPL મેગા ઓક્શનનો તખતો તૈયાર, 1,214 ખેલાડીઓ મેદાનમાં

January 23, 2022

ઈન્ડિયન પ્રીમિયર લીગની (આઇપીએલ) 15મી સિઝનની મેગા હરાજી માટેનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે અને સંભવિત બેંગ્લોર ખાતે આગામી 12મી અને 13મી તારીખે હરાજી થશે. આ માટેની રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20મી જાન્યુઆરી હતી જે બંધ થઈ ચૂકી છે. અત્યાર સુધી 19 દેશના કુલ 1,214 ખેલાડીઓ રજિસ્ટર્ડ થયા છે. તેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ છે.

આ મેગા હરાજીની અંતિમ યાદી હજી તૈયાર નથી થઇ. હજુ ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને અંતિમ યાદીમાં ટોચના ખેલાડીઓને જ સામેલ કરવામાં આવશે. મેગા હરાજીની પ્રથમ યાદીમાં 1,214 ખેલાડીઓ સામેલ છે જેમાંના 270 ખેલાડીઓ એવા છે જેઓ પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી ચૂક્યા છે. 903 ખેલાડીઓ એવા છે જેઓ પોતાના દેશ માટે એક પણ મેચ રમ્યા નથી. આ ઉપરાંત 41 ખેલાડીઓ એવા છે જેમના દેશની ટીમને ટેસ્ટ ક્રિકેટ રમવાનો દરજ્જો હજુ સુધી મળ્યો નથી. આ ટીમો માત્ર ટી20 અથવા વન-ડે ફોર્મેટની ક્રિકેટ રમે છે.

મેગા હરાજીમાં મહત્તમ 217 ખેલાડીઓ વેચાશે

આઇપીએલની એક ટીમ વધારેમાં વધારે 25 તથા ઓછામાં ઓછા 18 ખેલાડીઓને પોતાની ટીમમાં સાંકળી શકશે. આ કારણથી તમામ 10 ટીમો કુલ વધારેમાં વધારે 250 ખેલાડીઓ ખરીદી શકે છે. આ સંખ્યામાંથી 33 ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા રિટેન કરવામાં આવ્યા છે. આ કારણથી મેગા હરાજીમાં મેક્સિમમ 217 ખેલાડી જ ખરીદી શકાશે અને આ સંખ્યામાં વિદેશી ખેલાડીઓને સંખ્યા વધારેમાં વધારે 70ની રહેશે.

વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના હાઇએસ્ટ 59 ખેલાડીઓ

હરાજી માટે રજિસ્ટર્ડ થયેલા વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના સર્વાધિક 59 તથા સાઉથ આફ્રિકાના 48 ખેલાડીઓ છે. હરાજી માટે પોતાનો દાવો રજૂ કરનાર વિદેશના અન્ય ખેલાડીઓમાં વેસ્ટ ઇન્ડિઝના 41, શ્રીલંકાના 36, ઇંગ્લેન્ડના 30, ન્યૂઝીલેન્ડના 29 તથા અફઘાનિસ્તાનના 20 ખેલાડીઓ છે. અન્ય કેટલાક દેશના ખેલાડીઓમાં નામિબિયાના પાંચ, નેપાળના 15, નેધરલેન્ડ્સના એક, ઓમાનના ત્રણ, સ્કોટલેન્ડના એક, ઝિમ્બાબ્વેના બે, આયરલેન્ડના ત્રણ તથા યુએઇના એક ખેલાડીનો સમાવેશ થાય છે.