દિવાળી સુધી થશે IPOની વણજાર : સેબીએ એપ્રિલ-જુલાઈમાં 28 IPOને લીલીઝંડી આપી

August 08, 2022

અમદાવાદ : વૈશ્વિક અને સ્થાનિક કારણોસર ફિક્કા પડેલા ભારતીય આઈપીઓ બજારમાં ફરી તેજીનો કરંટ આવી શકે છે. ખાસ કરીને નવા રોકાણકારોને શેરબજાર તરફ ખેંચી લાગવા આઈપીઓમાં હાલ મંદ ગતિ જોવા મળી રહી છે. 

શેરબજારમાં રોકાણકારો નવા હોય કે જૂના તેઓમાં એક વસ્તુ સમાન છે કે તેઓ વધુ સારા વેલ્યુએશન ધરાવતા IPOની શોધમાં હોય છે. તો નવા આવી રહેલ રોકાણકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. સેબીએ એપ્રિલ-જુલાઈમાં 28 IPOને લીલીઝંડી આપી આપી છે.

સેબીએ મંજૂર કરેલ આ કંપનીઓ IPO દ્વારા કુલ રૂ. 45,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. સેબીનું ગો-અહેડ મેળવનાર કંપનીઓની યાદીમાં લાઈફસ્ટાઈલ રિટેલ બ્રાન્ડ ફેબિન્ડિયા, FIH મોબાઈલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપની પેટાકંપની- ભારત FIH, TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, બ્લેકસ્ટોન-સમર્થિત આધાર હાઉસિંગ ફાઈનાન્સ અને McLeods ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કિડ્સ ક્લિનિક ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

મર્ચન્ટ બેન્કર્સે કહ્યું કે આ કંપનીઓએ હજુ સુધી તેમના IPO લોન્ચ કરવાની તારીખ જાહેર કરી નથી અને આ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. તેઓ શેરબજારના સેકન્ડરી માર્કેટની સ્થિર અને મક્કમ ચાલની રાહમાં છે. 

હાલની આ કપરી પરિસ્થિતિ પડકારજનક છે અને કોઈપણ કંપની જોખમ ખેડવા તૈયાર નથી. આનંદ રાઠી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ઇક્વિટી કેપિટલ માર્કેટ્સના ડિરેક્ટર અને હેડ પ્રશાંત રાવે જણાવ્યું હતું કે, "હાલનું વાતાવરણ પડકારજનક છે અને જે કંપનીઓ પાસે મંજૂરીઓ છે તેઓ IPO લોન્ચ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે." 

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ડેટા અનુસાર એપ્રિલ-જુલાઈ 2022-23 દરમિયાન કુલ 28 કંપનીઓને IPO દ્વારા મૂડી એકત્ર કરવા માટે નિયમનકારી મંજૂરી મળી હતી.