દેશમાં ‘લેડી સિંઘમ’ તરીકે જાણીતા IPSનું રાજીનામું

August 06, 2024

આઈપીએસ તરીકેની પાંચ જ વર્ષની નોકરીમાં ગુનેગારોને હંફાવનાર એક બહાદુર આઇપીએસ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 2019 બેચના આઇપીએસ ઑફિસર કામ્યા મિશ્રાએ પોતાનું રાજીનામું બિહાર હેડક્વાર્ટરને સોમવારે સોંપી દીધું છે. આઇપીએસ અધિકારી કામ્યાના રાજીનામું આપવાના નિર્ણયથી દરેક ચોંકી ગયા છે. પોલીસ સેવામાં આવા જ ઑફિસરની જરૂર હોય છે. કામ્યાને તેમના કાર્યો માટે 'લેડી સિંઘમ' તરીકે ઓળખવામાં આવે છે. કામ્યા બિહારના દરભંગામાં ગ્રામીણ એસપી તરીકે તૈનાત છે. કામ્યા માટે આ મોટા નિર્ણયની પાછળની હકીકત શું છે? આઇપીએસ અધિકારી કામ્યાએ 22 વર્ષની ઉંમરમાં જ પોતાની આકરી મહેનતના દમ પર દેશની પ્રતિષ્ઠિત અને મુશ્કેલ પરીક્ષાને ક્રેક કરી લીધી હતી. આ વર્ષ હતું 2019, જ્યારે કામ્યાને આઇપીએસ અધિકારી તરીકે કામ કરવાની તક મળી. આ પરીક્ષામાં તેમણે 172મો રેન્ક મેળવ્યો હતો. તેમણે આ પરીક્ષામાં પહેલા પ્રયત્નમાં જ સફળતા મેળવી હતી. કાવ્યાએ દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો છે. તેમણે ગ્રેજ્યુએશનમાં જ આ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો અને ખૂબ જ ઓછા સમયમાં તેમાં સફળતા પણ મેળવી. કામ્યા મિશ્રાના પતિ અવધેશ દીક્ષિત છે. અવધેશ દીક્ષિત 2021 બેચના આઇપીએસ અધિકારી છે. બન્નેએ ઉદેપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. હાલ અવધેશ દીક્ષિત મુજફ્ફરપુરમાં પોતાની સેવા આપી રહ્યા છે. તેમણે IIT બોમ્બેથી બી.ટેક.નો અભ્યાસ પૂરો કર્યો હતો. કામ્યા ઓડિશાના રહેવાસી છે. હાલ પતિ-પત્ની બિહારમાં સાથે જ કામ કરી રહ્યા હતા. કામ્યા દીક્ષિતે હિમાચલ પ્રદેશ કેડરમાં પણ કામ કર્યું હતું. કામ્યા મિશ્રાને ઘણા હાઇ-પ્રોફાઇલ કેસમાં જવાબદારી સોંપવામાં આવી હતી. કામ્યા મિશ્રાએ પટનાના ગાય ઘાટ કેસ અને જીતન સહની હત્યાકાંડમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે જીતન સહની હત્યા કેસને ખૂબ જ ઓછા સમયમાં ઉકેલ્યો હતો.