176 લોકો ભરેલા વિમાનને તોડી પાડ્યાને લઈને ઈરાને કર્યો સનસની ખુલાસો

January 11, 2020

તેહરાન : તેહરાનથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ તોડી પાડવામાં આવેલા યૂક્રેનના પેસેન્જર વિમાનની જવાબદારી ઈરાને લીધી છે. ઈરાનની સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ઈરાનની મિસાઈલોએ જ ભૂલથી વિમાનને નિશાન બનાવ્યું હતું. આ અકસ્માતમાં 176 નિર્દોષ લોકોના મોત થયા છે.

મૃતકોમાં સૌથી વધારે કેનેડા અને ઈરાનના નાગરિકો હતા. અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પહેલાથી જ ઈરાને જ વિમાન તોડી પાડ્યુ હોવાનું કહ્યું હતું.

ઈરાને આજે સ્વિકાર્યુ છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી હતી. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવિય ભૂલ ગણાવવામાં આવી છે. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બંને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું, પરંતુ શનિવારે સવારે ઈરાની સરકારે ભૂલ સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં 176 લોકોના મોત થયા હતા.