ઇરાને યુએસ પ્રમુખ ટ્રમ્પ સામે વોરંટ જારી કર્યું, ઇન્ટરપોલની મદદ માગી

June 30, 2020

તેહરાન : ઇરાન દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ઇરાને ટ્રમ્પની ધરપકડ માટે વોરંટ પણ જારી કરી દીધુ છે. સાથે જ ઇન્ટરપોલને પણ અપીલ કરી છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ માટે ઇરાનની મદદ કરે. અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં ઇરાનના સૈન્ય વડા કાસીમ સુલેમાનીની હત્યા કરી દેવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

તેહરાનના પ્રોસિક્યૂટર અલી અલકસિમેરે સોમવારે કહ્યું હતું કે ઇરાનનો ટ્રમ્પ અને અન્ય 30થી વધુ લોકો પર આરોપ છે કે ત્રણ જાન્યુઆરીએ થયેલા હુમલામાં તેઓ સામેલ હતા. આ હુમલામાં સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી. ટ્રમ્પ અને અન્યો પર હત્યા અને આતંકવાદનો આરોપ લગાવવામાં આવ્યો છે. અલીએ ટ્રમ્પ ઉપરાંત અન્ય કોઇની પણ ઓળખ જાહેર નથી કરી.

સાથે દાવો કર્યો છે કે ટ્રમ્પનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ પુરો થયા બાદ પણ તેને સજા અપાવવાની કોશીશ જારી રહેશે. ઇરાને ઇંટરપોલને કહ્યું છે કે તે ટ્રમ્પ અને અન્ય આરોપીઓની સામે યોગ્ય પગલા લે અને રેડ કોર્નર નોટિસ પણ જારી કરે. ઇંટરપોલ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુના વગેરે પર દરેક દેશોને સહાયતા કરે છે.