ઈરાની અભિનેત્રીએ હિજાબ હટાવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી, એક દિવસ બાદ ધરપકડ

November 21, 2022

હિજાબ સામે મોટા પાયે જાહેર વિરોધનો સામનો કરી રહેલા ઈરાનની સ્થિતિ હજુ સુધરી નથી. હિજાબ સામે લોકોનું વલણ સ્પષ્ટ છે તો બીજી તરફ સરકાર પણ ઝૂકવા તૈયાર નથી. આ દરમિયાન હિજાબ ઉતારવાના આરોપમાં ઈરાનની સ્પેશિયલ પોલીસે અભિનેત્રી હેન્ગામેહ ગાજિયાની ધરપકડ કરી છે. હકીકતમાં અભિનેત્રીએ એક શોપિંગ મોલની બહાર પોતાનો સ્કાફ હટાવીને એક વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો રિલીઝ કરીને પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, મારી સાથે કંઈ પણ થઈ શકે છે.

2 મહિના પહેલા 22 વર્ષીય કુર્દિશ મહિલા મહસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મોત બાદથી ઈરાન હિંસાથી આગ ફાટી નીકળી છે. વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને તેમને નિયંત્રિત કરવા માટે ઈરાન સરકારના આદેશ પર પોલીસ તેમના પર નિર્દયતાથી અત્યાચાર કરી રહી છે. આ ઘટનાઓમાં ઘણા લોકોના મોત પણ થયા છે. ન તો જનતા પીછેહઠ કરવા તૈયાર છે કે ન સરકાર ઝૂકવા તૈયાર છે.