તાપસી-અનુરાગ બાદ ITએ વધુ 4 કંપનીઓ પર પાડ્યા દરોડા, સંયુક્ત કિસાન મોરચાએ કરી ટીકા

March 03, 2021

મહારાષ્ટ્રના આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચાર કંપનીઓ પર ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે, જેમાં ફેન્ટમ ફિલ્મ (Phantom Films), ક્વાન, એક્સીડ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ સામેલ છે. આ પહેલા બુધવારના ટેક્સ ચોરીના મામલે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂના ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા. બંને બોલીવુડ સ્ટાર્સ સાથે આવકવેરા વિભાગે લાંબી પૂછપરછ કરી હતી. આવકવેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે ટેક્સ ચોરીના મામલે ફેન્ટમ ફિલ્મોથી જોડાયેલા લોકો પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે.


આમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ અને અન્ય લોકો સામેલ છે. અનેક અન્ય લોકોની પણ ફેન્ટમ ફિલ્મો દ્વારા ટેક્સ ચોરીના સંબંધમાં શોધખોળ કરવામાં આવી રહી છે. જાણકારી પ્રમાણે મુંબઈ અને પુણેમાં લગભગ 20થી 22 સ્થાનો પર આવકવેરા વિભાગના ત્રણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, મધુ મનટેના, વિકાસ બહલ અને અન્ય ઉપરાંત ફેન્ટમ ફિલ્મ્સ અને અન્ય 3 પ્રોડક્શન હાઉસની ઑફિસ સામેલ છે.


2011માં અનુરાગ કશ્યપ, મધુ મનટેના, વિક્રમાદિત્ય મોટવાને અને વિકાસ બહલ દ્વારા ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના કરવામાં આવી હતી. જો કે ઑક્ટોબર 2018માં કંરનીને બંધ કરી દેવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે કંપની અને તેમના દ્વારા ભરવામાં આવેલા રિટર્ન મેળ નથી ખાતા. આ સ્પષ્ટ રીતે ટેક્સ ચોરીનો સંકેત છે. આ મામલે પહેલા વિભાગ તરફથી તપાસ કરવામાં આવી, પછી સર્ચ વૉરન્ટ મેળવવામાં આવ્યું. ફક્ત એકવાર મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયા બાદ ટેક્સની કુલ રકમ સ્પષ્ટ થઈ જશે. આવકવેરા વિભાગની કામગીરી પર સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારની ટીકા કરી છે.
સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે, અમે સમજીએ છીએ કે દરોડા ખેડૂતોનું સમર્થન કરવા પર સરકારનો રોષ દર્શાવે છે. સંયુક્ત કિસાન મોરચો એ તમામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો આભાર માને છે જેમણે ડર્યા વગર, ખુલ્લા દિલથી ખેડૂતોનું સમર્થન કર્યું છે. આ કાર્યવાહીને લઇને કૉંગ્રેસ કેન્દ્ર સરકારને ઘેરી રહી છે.