ક્રાઉડ વગર ભારત સાથે મેચ રમવાની મજા આવશે : વોર્નર

June 24, 2020

સિડની : ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વૉર્નરનું કહેવું છે કે, વર્ષના અંતે રમાનારી ભારત સાથેની ટેસ્ટ સિરીઝમાં ક્રાઉડ વગર રમવાની અસલી મજા પડશે. થોડા સમય પહેલાં મૅથ્યુ વેડે પણ કહ્યું હતું કે, વિરાટ કોહલીને છંછેડીને કોઈ મતલબ નથી અને તેની વાતમાં વૉર્નરે ટેકો આપ્યો હતો. વર્ષના અંતે ત્રીજી ડિસેમ્બરથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસકર ટ્રોફી અંતર્ગત ચાર ટેસ્ટ મૅચ રમાશે. વિરાટ કોહલી અને ટેસ્ટ સિરીઝ સંદર્ભમાં ડેવિડ વૉર્નરે કહ્યું કે, 'વિરાટ કોહલી એવો માણસ છે જેને છંછેડવો અમારા માટે જોખમકારક છે. ક્રાઉડ વિના ભારત સામે સિરીઝ રમવામાં વધારે મજા આવી શકે છે. સિરીઝ માટે હું સિલેક્ટ થઈ ટીમનો હિસ્સો બનવા માગું છું. પાછલી વખતે જ્યારે અમે રમ્યા હતા ત્યારે અમે તેમનાથી હારી ગયા હતા, કારણ કે તેમની બોલિંગ ઘણી સારી હતી, પણ હવે તેમની બૅટિંગ સારી છે અને અમારી બોલિંગ વધારે સારી બની છે માટે બન્ને ટીમ વચ્ચેની ટક્કર જોવા ભારતનું ક્રાઉડ ઘણું આતુર હશે એવી આશા રાખું છું.' ઉપરાંત ભારતમાં વર્ષના અંતે ટી૨૦ વર્લ્ડ કપ રમાશે કે નહીં વિશે પણ ડેવિડ વૉર્નરે પોતાના વિચાર પ્રગટ કર્યા હતા. ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ધુઆંધાર ઓપનર ડેવિડ વૉર્નરનું કહેવું છે કે, જો વર્ષે ટી-૨૦ વર્લ્ડકપ નહીં રમાય તો ઑસ્ટ્રેલિયાના પ્લેયર્સ આઈપીએલ રમવા જરૂર આવશે. વૉર્નરે કહ્યું કે 'ટી૨૦ વર્લ્ડકપ રમાશે કે મોકૂફ રખાશે વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પણ ઑસ્ટ્રેલિયા સામે તકલીફ વાતની છે કે દરેક પ્લેયરને અને ટીમને ૧૪ દિવસ ક્વૉરન્ટીન કરવામાં આવશે. હાલના સમયમાં અમે ઑસ્ટ્રેલિયન સરકારના નિયમોનું પાલન કરી રહ્યા છીએ. સાથે-સાથે અમારે આઈસીસીએ જણાવેલા નિયમોનું પણ પાલન કરવાનું છે. જો વર્લ્ડકપ નહીં રમાય તો અમને આશા છે કે અમે શેડ્યુલમાં રમાનારી આઈપીએલમાં જરૂર ભાગ લઈ શકીશું. જો આઈપીએલ માટે અમને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સહમતી આપે તો જરૂર ભારત આવીને ટુર્નામેન્ટ રમવાનું અમને ગમશે.'