અંતિમ 2 બોલમાં 2 સિક્સ મારીને જાડેજાએ મેચ જીતાડી, કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્લે-ઓફમાં પહોંચવું અઘરું

October 30, 2020

કોલકાતા : IPLની 13મી સીઝનની 49મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યું છે. ચેન્નાઈની આ સીઝનમાં પાંચમી જીત છે. જ્યારે આ હાર સાથે કોલકાતા માટે પ્લે-ઓફમાં પહોંચવું અઘરું થઇ ગયું છે અને મુંબઈ ઇન્ડિયન્સ ઓફિશિયલી પ્લે-ઓફમાં ક્વોલિફાય થઇ ગયું છે. કોલકાતાને હવે પોતાની બાકીની મેચો જીતવી પડશે, તેમજ બીજી ટીમોના નિર્ણય પર નિર્ભર રહેવા પડશે.  

 કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દુબઈ ખાતે 173 રનનો પીછો કરતા ચેન્નાઈ સુપરકિંગ્સે 20 ઓવરમાં 4 વિકેટે 178 રન કર્યા. ચેન્નાઈને અંતિમ 2 ઓવરમાં 30 રનની જરૂર હતી, ત્યારે રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં 31* રન કરીને મેચ જીતાડી. જાડેજાએ આ દરમિયાન 2 ફોર અને 3 સિક્સ મારી. 2 બોલમાં 7 રનની જરૂર હતી, ત્યારે જાડેજાએ નાગરકોટીની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર સિક્સ મારી. અંતિમ બોલે 1 રનની જરૂર હતી ત્યારે તેણે લોન્ગ-ઓન પર સિક્સ મારી. સામે છેડે સેમ કરન 13 રને અણનમ રહ્યો.

ચેન્નાઈ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડે લીગમાં પોતાની બીજી ફિફટી મારી હતી. તેણે 53 બોલની ઇનિંગ્સ દરમિયાન 6 ફોર અને 2 સિક્સની મદદથી 72 રન કર્યા હતા. પેટ કમિન્સને પેડલ સ્વીપ કરવા જતા તે બોલ્ડ થયો હતો. તે પહેલા એમએસ ધોની 1 રને વરુણ ચક્રવર્તીની બોલિંગમાં બોલ્ડ થયો.