જામનગર ખંભાળિયા હાઈવે પર શ્વાન આડું ઉતરતા કાર પલટી, બે સગા ભાઈઓના મોત

July 19, 2021

જામનગર : જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના પડાણા પાટિયા પાસે આજે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર - ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ પડાણા પાટિયા નજીક આવેલ હોટેલ આશાપુરા સામે આજે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે કૂતરું એકાએક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજેન્દ્રસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ઝાલા નામના બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યકિતઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. મૃતક ભાઈઓ પડાણા ગામના સરપંચ પ્રવીણસિંહ ઝાલાના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે.