મંગળવારે જાનકી જયંતીઃ આ દિવસે વ્રત અને પૂજા કરવાથી 16 પ્રકારના દાનનું પુણ્ય મળે છે

May 09, 2022

વૈશાખ મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ સીતા જયંતી ઊજવવામાં આવે છે. આ પર્વને જાનકી નોમ પણ કહેવામાં આવે છે. આ દિવસે માતા સીતા અને શ્રીરામની પૂજા કરવામાં આવે છે. આ પર્વ 10 મે, મંગળવારના રોજ ઉજવાશે. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે સીતાજીનું પ્રાકટ્ય થયું હતું. શ્રીરામ અને સીતાજીનો જન્મ એક જ નક્ષત્રમાં થયો હતો.

ગ્રંથો પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની નોમના દિવસે પુષ્ય નક્ષત્રમાં મહારાજા જનકને પૃથ્વીમાંથી સંતાન પ્રાપ્ત થયું હતું. ગ્રંથોમાં આ દિવસે માતા સીતા અને શ્રીરામની પૂજા સાથે વ્રત રાખવાનું મહત્ત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ વ્રત કરવાથી પૃથ્વીદાન સહિત, સોળ પ્રકારના મહત્ત્વપૂર્ણ દાનનું ફળ પણ મળે છે.

વાલ્મીકિ રામાયણ પ્રમાણે રાજા જનકને કોઇ સંતાન હતું નહીં. જેથી તેમણે યજ્ઞ કરવાનો સંકલ્પ લીધો. જેના માટે તેમણે જમાન તૈયાર કરવાની હતી. વૈશાખ મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ પુષ્ય નક્ષત્રમાં જ્યારે રાજા જનક હળથી જમીન ખેડી રહ્યા હતાં, તે સમયે પૃથ્વીમાં તેમનું હળ એક જગ્યાએે ફસાઇ ગયું. તે જગ્યાનું ખોદકામ કર્યું ત્યારે ત્યાં માટીના વાસણમાં તેમને કન્યા મળી આવી. ખેડેલી જમીન અને હળના છેડાને સીત કહેવામાં આવે છે, એટલે તેમનું નામ સીતા રાખવામાં આવ્યું.

સીતા નોમની પૂજા

સીતા નોમના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે જલ્દી સ્નાન કરવું જોઇએ.
ત્યાર બાદ માતા જાનકીને પ્રસન્ન કરવા માટે વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઇએ.
ત્યાર બાદ એક બાજોટ ઉપર માતા સીતા અને શ્રીરામની મૂર્તિ અથવા તસવીર રાખો.
રાજા જનક અને માતા સુનયનાની પૂજા સાથે પૃથ્વીની પણ પૂજા કરવી જોઇએ.
ત્યાર બાદ શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવો જોઇએ.
અનેક જગ્યાએ માટીના વાસણમાં અનાજ કે જળ ભરીને દાન કરવામાં આવે છે.