જાપાનની કાર કંપની નિસાને પૂર્વ ચેરમેન વિરૂદ્ધ 9 કરોડ ડોલરનો દાવો

February 13, 2020

ટોક્યો : જાપાનની જાયન્ટ કાર નિર્માતા કંપની નિસાને પોતાના પૂર્વ ચેરમેન કાર્લોસ ઘોસ વિરુદ્ધ ૯ કરોડ ડોલરનો દાવો કર્યો છે. કંપનીએ પોતાના પૂર્વ ચેરમેન પર વર્ષો સુધી ગેરવર્તણૂક કરવા અને છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. 

જાપાનમાં ૬૫ વર્ષીય કાર્લોસ સામે નાણાકીય ગેરવર્તણૂકના અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. જો કે તેમની સામે આ આરોપો અંગે સુનાવણી શરૂ થાય તે પહેલા જ તે લેબેનોન ભાગી ગયા છે. તે દાવો કરે છે કે તેમણે કંઇ પણ ખોટું કર્યુ નથી. 

નિસાને જણાવ્યું છે કે કાર્લોસે વર્ષો સુધી કરેલી છેતરપિંડીની ગણતરીને ધ્યાનમાં રાખી નુકસાનની રકમ નક્કી કરવામાં આવી છે. કંપનીએ કાર્લોસ પર ભાડું ચૂકવ્યા વગર વિદેશી રેસિડેન્સિયલ મિલકતોનો ઉપયોગ કરવા, કોર્પેરેટ જેટનો અંગત ઉપયોગ, પોતાની બહેનને કરેલી ચુકવણી, લેબનોનમાં પોતાના અંગત વકીલને રકમ ચૂકવી હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. 

નવેમ્બર, ૨૦૧૮માં ધરકપડ કર્યા પછી કાર્લોસને ૧૦૦ દિવસથી પણ વધુ સમય માટે અટકાયત હેઠળ રાખવામાં આવ્યા હતાં. જો કે ત્યારબાદ જામીન મળતા જ તે લેબેનોન ભાગી ગયા હતાં.