જેફ બેજોેસ સતત ચોથા વર્ષે વિશ્વના સૌથી અમીર, મુકેશ અંબાણી ૧૦મા સ્થાને

April 08, 2021

નવી દિલ્હી : વિશ્વના અમીરોની ફોર્બ્સ મેગેઝિનની વાર્ષિક યાદીમાં આ વખતે રેકોર્ડ ૨,૭૫૫ અબજોપતિઓનો સમાવેશ કરાયો છે. સતત ચોથા વર્ષે એમેઝોનના સ્થાપક જેફ બેજોેસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ રહ્યાં છે. વૈશ્વિક અર્થતંત્ર કોરોના મહામારીનો સામનો કરી રહ્યું હોવા છતાં વર્ષ ૨૦૨૦ના અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા ૧૨ મહિનામાં ૫.૧ ટ્રિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. તેમની સંપત્તિ ગયા વર્ષની ૮ ટ્રિલિયન ડોલરથી વધીને ૧૩.૧ ટ્રિલિયન ડોલર પર પહોંચી છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૦માં વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ૬૬૦નો વધારો થયો છે. આ યાદીમાં ૪૯૩ નવા અબજોપતિ ઉમેરાયા છે તેનો અર્થ એ થયો કે વિશ્વમાં દર ૧૭ કલાકે એક નવો અબજોપતિ પેદા થયો હતો. ફોર્બ્સની યાદીમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને ૮૪.૫ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ જાહેર કરાયા છે. ભારતના ટોપ ટેન અબજોપતિઓની યાદીમાં ૫૦.૫ બિલિયન ડોલર સાથે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી બીજા સ્થાને રહ્યા છે. એચસીએલના શિવ નાદર સહિત ભારતના ૩ ટોચના અમીરોની કુલ સંપત્તિ ૧૦૦ બિલિયન ડોલર કરતાં વધુ થવા જાય છે. વર્ષ ૨૦૨૦માં ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં ૨૦નો વધારો થતાં ૧૪૦ પર પહોંચી છે. તેમની કુલ સંપત્તિ ૫૯૬ બિલિયન ડોલર થવા જાય છે. મુકેશ અંબાણી ચીનના જેક માને પછડાટ આપીને ફરી એશિયાના સૌથી વધુ અમીર જાહેર થયાં છે તો વર્ષ ૨૦૨૦માં ગૌતમ અદાણીની સંપત્તિમાં ૪૨ બિલિયન ડોલરનો એટલે કે પાંચ ગણો વધારો થયો છે.
અબજોપતિઓના મામલે વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે, ૧૪૦ ભારતીય અબજોપતિ
અબજોપતિઓના મામલામાં વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે છે. ભારતમાં વર્ષ ૨૦૨૦માં ૧૪૦ અબજોપતિ નોંધાયા છે. જર્મનીમાં ૧૩૬ અને રશિયામાં ૧૧૭ અબજોપતિ નોંધાયા છે. એશિયા પેસિફિકના દેશોમાં કુલ ૧,૧૪૯ અબજોપતિ ૪.૭ ટ્રિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. જેની સામે અમેરિકાના અબજોપતિઓની કુલ સંપત્તિ ૪.૪ ટ્રિલિયન ડોલર છે. 

વિશ્વના ટોપ ૧૦ અબજોપતિ
૧. જેફ બેજોસ-૧૭૭ બિલિયન ડોલર-એમેઝોન   
૨. એલન મસ્ક-૧૫૧ બિલિયન ડોલર-ટેસ્લા   
૩. બર્નાર્ડ આર્નોલ્ટ-૧૫૦ બિલિયન ડોલર-એવીએમએચ  
૪. બિલ ગેટ્સ-૧૨૪ બિલિયન ડોલર-માઇક્રોસોફ્ટ  
૫. માર્ક ઝુકરબર્ગ-૯૭ બિલિયન ડોલર-ફેસબુક  
૬. વૉરેન બફેટ-૯૬ બિલિયન ડોલર-બિઝનેસ ટાયકૂન  
૭. લેરી એલિસન-૯૩ બિલિયન ડોલર-ઓરેકલ  
૮. લેરી પેજ-૯૧.૫ બિલિયન ડોલર-ગૂગલ   
૯. સર્ગેઇ બ્રિન-૮૯ બિલિયન ડોલર-ગૂગલ  
૧૦. મુકેશ અંબાણી-૮૪.૫ બિલિયન ડોલર-રિલાયન્સ 


ભારતના ટોપ ૧૦ અબજોપતિ
૧. મુકેશ અંબાણી-૮૪.૫ બિલિયન ડોલર-રિલાયન્સ ગ્રૂપ  
૨. ગૌતમ અદાણી-૫૦.૫ બિલિયન ડોલર-અદાણી ગ્રૂપ  
૩. શિવ નાદર-૨૩.૫ બિલિયન ડોલર-એચસીએલ ગ્રૂપ  
૪. રાધાક્રિશ્નન દામાણી-૧૬.૫ બિલિયન ડોલર-ડી માર્ટ  
૫. ઉદય કોટક-૧૫.૯ બિલિયન ડોલર-કોટક મહિન્દ્રા ગ્રૂપ  
૬. લક્ષ્મી મિત્તલ-૧૪.૯ બિલિયન ડોલર-આર્સેલર મિત્તલ ગ્રૂપ  
૭. કુમાર બિરલા-૧૨.૮ બિલિયન ડોલર-બિરલા ગ્રૂપ  
૮. સાયરસ પૂનાવાલા-૧૨.૭ બિલિયન ડોલર-સીરમ ઇન્સ્ટિટયૂટ  
૯. દિલીપ સંઘવી-૧૦.૯ બિલિયન ડોલર-સન ફાર્મા   
૧૦. સુનીલ મિત્તલ-૧૦.૫ બિલિયન ડોલર-મિત્તલ ગ્રૂપ