જેટ એરવેઝ ઉડાન ભરવા તૈયાર : રિઝોલ્યુશન પ્લાન મંજૂર

June 23, 2021

નવી દિલ્હી: નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ(NCLT)ની મુંબઈ બેન્ચે જેટ એરવેઝ માટે કાલરોક કેપિટલ અને મુરારીલાલ બાલનના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ સાથે જેટ એરવેઝ બે વર્ષના ગાળા બાદ આકાશમાં ઊડી શકશે. સફળ બિડર્સને ૯૦ દિવસની અંદર સંબંધિત અધિકારીઓ પાસેથી આવશ્યક મંજૂરી પ્રાપ્ત કરી લેવાનું જણાવાયું છે. મોહમ્મદ અજમલ અને વીનલ સેનાપતિની અધ્યક્ષતાવાળી બેન્ચે સફળ રિઝોલ્યુશન અરજદાર, ઋણદાતાઓ, ડીજીસીએ અને અન્ય સહિત તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. અહેવાલો અનુસાર એરલાઇન કંપની નવા એરક્રાફ્ટ માટે બોઇંગ અને એરબસ જેવી મોટી કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહી છે. વાસ્તવમાં જેટ એરવેઝ તમામ ૧૧ પ્લેનને પોતાના કાફલામાંથી રિટાયર કરવા માંગે છે, તેના સ્થાને વધારે ઈંધણક્ષમ નવા પ્લેનને લીઝ પર લેવાનું આયોજન કરે છે. મંગળવારે બીએસઇ પર જેટ એરવેઝનો શેર ૪.૯૬ ટકા અથવા રૂ. ૪.૭૦ ઊછળીને રૂ. ૯૯.૪૫ બંધ નોંધાયો હતો.
નોંધનીય છે કે પાછલા વર્ષના ઓક્ટોબર મહિનામાં કલરોક કેપિટલ અને મુરારીલાલ જાલનના જૂથની બિડને લેણદારોની સમિતિએ મંજૂરી આપી હતી. આ બન્નેને એરલાઇન ચલાવવાનો કોઈ અનુભવ નથી જ્યારે કલરોક યુકે સ્થિત એસેટ મેનેજમેન્ટ કંપની છે તો મુરારીલાલ એક બિઝનેસમેન છે. રિઝોલ્યુશન પ્લાન અનુસાર સફળ બિડરે કંપનીના રિવાઇવલ માટે કુલ ૧,૩૭૫ કરોડ રૂપિયાના રોકડ પ્રવાહનો પ્રસ્તાવ રાખ્યો છે. કંપનીના રિવાઇવલ પ્લાનમાં એનસીએલટી દ્વારા પ્લાનની મંજૂરીના ૬ મહિનાની અંદર ૩૦ વિમાનો સાથે ઓપરેશન શરૂ કરી દેવાનો પ્રસ્તાવ છે. બીજી તરફ કંપની ૫૦-૭૦ જેટલા નવા કર્મચારીઓની ભરતી કરવાની પણ વિચારણા ધરાવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.