જિનપિંગ લાપતા, અઠવાડિયે પણ રહસ્ય અકબંધ

October 01, 2022

  • ચીનમાં સર્વસત્તાધીશ ગણાતા સીસીપીના વધુ એક ખેલ સાથે દુનિયાભરમાં અટકળોનો દોર  
  • ચીનમાં બળવાની શક્યતા નહીવત છે કારણ કે, અહીંના લશ્કરની ક્રૂરતાથી દુનિયા પરિચિત છે. 1989માં આંદોલનકારી વિદ્યાર્થીઓને બેરહમીથી પતાવી દેવાયા હતા

ચીનના પ્રમુખ શી જિનપિંગને નજરકેદ કરાયા કે નહીં એ મુદ્દે એક અઠવાડિયાથી દુનિયામાં અટકળોનો દોર ચાલી રહ્યો છે. જો કે, તે અંગે હજી સસ્પેન્સ છે. સોશિયલ મીડિયા પર જાત જાતની વાતો ફરી રહી છે પણ ચીનની સરકારના દિગ્ગજો મગનુ નામ મરી પાડતા નથી. ચીનમાં કોરોના ક્વોરેન્ટાઈનની ગાઈડલાઈન બહુ કડક છે. વિદેશથી આવનારે પખવાડિયું ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું જ પડે છે. જિનપિંગ આ કારણે બહાર નથી દેખાતા એવી શક્યતા પણ છે. અલબત્ત, ચીનની સરકાર સત્તાવાર રીતે એવો ખુલાસો કરતી નથી તેથી જિનપિંગને નજરકેદ રખાયાની શંકા છે.  અમેરિકા પછીની બીજી મોટી આર્થિક મહાસત્તા ગણાતુ ચીન દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવે છે. તેથી ચીનમાં આટલી મોટી ઘટના બને તેની દુનિયાભરમાં ચર્ચા થવી સ્વાભાવિક છે. 
જિંગપિંગને નજરકેદ કરાયા તેના કારણે ચીનમાં મોટા પાયે બળવો થઈ જશે, લોકો રસ્તા પર ઉતરી આવશે, અરાકજતા અને અંધાધૂંધી ફેલાઈ જશે ઉપરાંત ચીન ફનાફાતિયા થઈ જશે એવી વાતો ઘણા અતિ ઉત્સાહીઓ કરી રહ્યા છે. જો કે, આવા લોકોને ચીનની શાસન પધ્ધતિ અને ચીનમાં સત્તાધારી ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ની નીતિનો જરાય અંદાજો નથી. ચીન પર સીસીપીની નાગચૂડ છે. વાસ્તવિકતા એ છે કે આ ભરડો કોઈ તોડી શકે તેમ નથી. સીસીપીના સક્રિય સભ્યોની સંખ્યા ૧૦ કરોડની આસપાસ છે. ભાજપ વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો અને પોતાની પાસે ૧૦ કરોડ કાર્યકરો હોવાનો દાવો કરે છે પણ ભાજપ સહિતના ભારતના રાજકીય પક્ષોના કાર્યકરો અને સીસીપીમાં બહુ મોટો ફરક છે. ભારતમાં રાજકીય પક્ષોના મોટાભાગના કાર્યકરોએ મફતમાં ઝૂડાવાનું હોય છે, ગાઠનું ગોપીચંદન કરીને રાજકીય કારકિર્દી બનશે એ લાલચમાં દોડયા કરવાનું હોય છે.
જયારે ચીનમાં સીસીપીના કાર્યકરોને દર મહિને પગાર મળે છે. આ કાર્યકરો એક રીતે સરકારી કર્મચારીઓ જ છે. તેમનાં ઘર ચલાવવાની, જીવન નિર્વાહ કરવાની જવાબદારીનું વહન સીસીપી કરે છે. ચીનમાં સીસીપી જ સર્વસત્તાધીશ છે. લશ્કરથી માંડીને સરકારી તિજોરી સુધીનું બધું તેના હાથમાં છે. તેથી પોતાના કાર્યકરોને પગાર આપી શકે છે.  આ દસ કરોડ કાર્યકરો સીસીપીના હથિયાર વિનાના સૈનિકો જ છે. ચીનના લશ્કરી સૈનિકો પણ સામ્યવાદી પક્ષના કાર્યકરો જ છે. ચીનના લશ્કરમાં ટોચના હોદ્દા પર સામ્યવાદી પાર્ટીના નેતાઓ હોય છે કે જેથી આર્મીની સીસીપી તરફની વફાદારી કાયમ રહે.  ચીનના લશ્કરી અધિકારીઓ સીસીપી પાસેથી જ ઓર્ડર લે છે, તેથી આર્મી પર સીસીપીનો સંપૂર્ણ અંકુશ છે તેમ કહી શકાય. આવા સંજોગોમાં ચીનમાં લશ્કરના બળવાની શકયતા નહિવત છે.
ચીનમાં જરા સરખી બગાવત થાય તો સીસીપી તેને ક્રૂરતાથી દબાવી દે છે. બળવાઓને દબાવી દેવામાં સામ્યવાદી શાસકો કઈ હદે ક્રૂર બની શકે છે તેનો પરચો આખી દુનિયાને ૧૯૮૯માં મળેલો. એ વખતે ચીનમાં લોકશાહીની માગ બુલંદ બની હતી.  પ્રચંડ વિદ્યાર્થી આંદોલન છેડાતા લાખો વિદ્યાર્થીઓ બીજીંગના ટિનાનમેન સ્ક્વેરમાં ઉમટી પડયા હતા. ૧૫ એપ્રિલથી વિદ્યાર્થીઓ ખડકાવા માંડયા પછી ચીનના પ્રીમિયર લી પેંગે વિદ્યાર્થીઓને બીજીંગ ખાલી કરવા ધમકી આપી. પરંતુ વિદ્યાર્થીઓએ તે ધમકીને અવગણી અને દેશભરમાંથી ટિનાનમેન સ્ક્વેરમાં વિદ્યાર્થીઓનું આગમન ચાલુ જ રહ્યું. ડેંગ ઝિયાઓપિંગ ત્યારે મિલિટરી કમિશનના ચેરમેન હતા. સામ્યવાદી નેતાઓ લડતને કોઈ પણ ભોગે દબાવી દેવાની વેતરણમાં હતા. પણ ડેંગ પોતાના જ વિદ્યાર્થીઓ સામે લશ્કરી પગલાં લેવાના મતના નહોતા. તેથી શરૃઆતમાં કોઈ પગલાં ના લેવાયાં. વિદ્યાર્થીઓએ તેનો એવો અર્થ કાઢયો કે, ચીનની સરકાર ઢીલી પડી ગઈ છે. પરિણામે આંદોલનની ઉગ્રતા વધી. સામ્યવાદી પાર્ટીએ મહિના પછી ડેંગને કોરાણે ૨૦ મેથી મૂકીને માર્શલ લો લાદવાનું એલાન કરીને વિદ્યાર્થીઓને હટી જવા કહ્યું.
જો કે,વિદ્યાર્થીઓએ ફરીવાર ધમકીની અવગણના કરી એટલે ૪ જૂને લશ્કરને મોકલીને વિદ્યાર્થીઓને ખદેડવાનું ઓપરેશન શરુ કરાયુ. લિબરેશન આર્મીના જવાનો ટેંકોમાં નીકળ્યા અને જરાય દયા દાખવ્યા વિના મશીનગનોમાંથી વિદ્યાર્થીઓ ઉપર ગોળી છોડવા માંડ્યા. આ ઉપરાંત શાંતિપૂર્ણ રીતે બેઠેલા વિદ્યાર્થીઓ ઉપર પણ ટેંકો ચલાવી દઈ તેમને કચડી નંખાયા અને ટિનાનમેન્ સ્ક્વેરમાં રીતસર લોહીની નદીઓ વહાવી દીધી. ૫ જૂને સવારે તો ટિનાનમેન સ્ક્વેર ખાલી થઈ ગયો હતો. ચોકમાં લોહીના ધબ્બા હતા. જે બાદ લી પેંગની સરકારે લશ્કરી ટેંકો સામે એક જ માણસ ઉભો હોય એવો ફોટો પ્રસિધ્ધ કરાવીને આંદોલનને કચડી નાંખવામાં સરકાર સફળ રહ્યાની જાહેરાત કરેલી. ચીનના લશ્કરની ક્રુરતા જોયા પછી વિદ્યાર્થીઓના માથેથી વિરોધનું ભૂત ઉતરી ગયું. ટિનાનમેન સ્ક્વેરની યાદો લોકોના મનમાંથી હજુ ગઈ નથી, એ જોતાં કમ સે કમ લોકો તો રસ્તા પર ઉતરીને બળવો કરે એવી કોઈ શક્યતા નથી.
જિનપિંગ લોકપ્રિય નેતા મનાય છે પણ તેમને નજરકેદ કરાયા હોય તો જિનપિંગ પોતે લાચાર બની જાય. એ પોતાના વફાદારોને કે સીસીપીના કાર્યકરોને કશું કહી ના શકે તેથી જિનપિંગ પણ બળવો કરાવી શકે તેવી સ્થિતીમાં નથી.  લિબરેશન આર્મી અને સીસીપી એક જ છે એ જોતાં બંને વચ્ચે ટકરાવ પણ શક્ય નથી. ટૂંકમાં સામ્યવાદી પક્ષે કે લિબરેશન આર્મીએ જિનપિંગને નજરકેદ કરી દીધા હોય તો જિનપિંગનું બોર્ડ પતી ગયું છે એમ સમજી લેવાનું. ચીનમાં માઓ પછી આવેલા ડેંગે સામ્યવાદી પક્ષનું વર્ચસ્વ જળવાય એ માટે ચીનમાં શહેરીકરણની નીતિ અપનાવાઈ છે. ચીન બહુ મોટો વિસ્તાર છે તેથી છૂટીછવાઈ વસતી પર અંકુશ રાખવો અઘરો પડે. તેના બદલે મોટા ભાગની વસતી શહેરી વિસ્તારોમાં હોય તો તેમને સહેલાઈથી કાબૂમાં રાખી શકાય, બગાવતનો ખતરો ના રહે. આ સિધ્ધાંતને અનુસરીને ડેંગે ચીનમાં મોટા પાયે શહેરીકરણ કર્યું, શહેરોને જ આર્થિક પ્રવૃત્તિઓનાં કેન્દ્ર બનાવી દીધાં છે. 
અત્યારે ચીનની કુલ વસતીમાંથી ૬૫ ટકા વસતી લગભગ ૧૬૦ શહેરોમાં રહે છે. ચીનમાં એક કરોડથી વધારે વસતી ધરાવતાં ૧૭ મેગા સિટી છે અને દસ લાખથી વધુ વસતી હોય એવાં ૧૬૦ શહેરો છે. શાંઘાઈ, બિજિંગ, ચોંગક્વિંગ, ચેંગડુ અને એ પાંચ શહેરોમાં કાયમ માટે બે કરોડથી વધારે લોકો રહે છે. ચીનમાં આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ મોટાં શહેરો છે. સીસીપીએ શહેરોમાં કોઈ ચૂં કે ચાં ના કરે તેની જડબેસલાક વ્યવસ્થા ગોઠવેલી છે. તેથી બળવાની શક્યતા નહિવત છે. જિંગપિંગ હળાહળ ભારત વિરોધી હતા અને સાથે સાથે ચીનને વિશ્વની સૌથી મોટી મહાસત્તા બનાવવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા. તેથી તેમણે પોતાના પાડોશીઓને પરેશાન કરવામાં કોઈ કચાશ રાખી નથી. મોદી વડાપ્રધાન બન્યા પછી તેમણે ચીન સાથેના સંબંધો સુધારવાની દિલથી કોશિશો કરી પણ ચીન ઉપકારના બદલામાં અપકાર જ કરતું રહ્યું. ડોકલામા વિવાદ, માલદીવ્સનો મામલો, ઉત્તરાખડમાં ઘૂસણખોરી હોય, મસૂદ અઝહર-મીરને આતકવાદી જાહેર કરવા સહિતના તમામ મુદ્દે જિનપિંગનું વલણ ભારતવિરોધી રહ્યું છે. જિનપિંગે એશિયામાં પોતાની ધરી બનાવીને અમેરિકાને પણ પડકાર ફેંક્યો છે. તેથી જિનપિંગ જાય તો અમેરિકા પણ રાજી થાય તેમ છે.