જોન્સન એન્ડ જોન્સન કેનેડા અને અમેરિકામાં પાવડર વેંચવાનું બંધ કરશે

May 21, 2020

વૉશિંગ્ટન  : બેબી પ્રોડક્ટ માટે જાણીતી કંપની જોન્સન એન્ડ જોન્સન અમેરિકા અને કેનેડામાં પાવડરનું વેંચાણ બંધ કરશે. કંપની સામે ગુણવત્તા મુદ્દે ૧૯,૦૦૦થી વધુ કેસ થયા પછી કંપનીએ આ નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે અમેરિકન માર્કેટમાંથી કંપનીએ ૩૩ હજાર પાવડરના ડબ્બા પાછા ખેંચવા પડયા હતા.

જોન્સન એન્ડ જોન્સનની ગુણવત્તા મુદ્દે અમેરિકા-કેનેડામાં ગંભીર સવાલો ખડા થયા હતા. અમેરિકા અને કેનેડામાં અંદાજે ૧૯,૦૦૦ કેસ થઈ ચૂક્યા છે. ગુણવત્તા મુદ્દે થયેલા આ કેસમાંથી ઘણાં ખરા કેસ હજુ પેન્ડિંગ છે.અમેરિકા-કેનેડાના ગ્રાહક સુરક્ષાના કાયદા જોતાં કંપનીને વળતર પણ ચૂકવવું પડે એવી શક્યતા નકારી શકાતી નથી. આવી સ્થિતિમાં વધારે ગંભીર સ્થિતિથી બચવા માટે કંપનીએ અમેરિકા અને કેનેડામાં પાવડરનું  વેંચાણ બંધ કરવાનું જાહેર  કર્યું છે.

કંપનીના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે ગ્રાહકોની આદતમાં મોટા પાયે ફેરફાર થઈ  રહ્યો છે. બેબી પાવડરને લઈને ખોટી માહિતી પણ ફેલાઈ રહી છે. એવા સંજોગોમાં હાલ પૂરતું આ બંને દેશોમાં પાવડરનું વેંચાણ બંધ થશે. જોકે, વેંચાણ અસ્થાયી રીતે બંધ થયુ હોવાનું કંપનીએ કહ્યું હતું, પરંતુ ફરી ક્યારથી વેંચાણ શરૂ થશે તે બાબતે કોઈ જ સ્પષ્ટતા કરી ન હતી.

અગાઉ અમેરિકામાં પાવડરની ગુણવત્તા મુદ્દે હોબાળો થતા કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ૩૩ હજાર પાવડરના ડબ્બા માર્કેટમાંથી પાછા ખેંચી લીધા હતા.