જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા

March 11, 2020

નવી દિલ્હી : હોળીના દિવસે કોંગ્રેસ સાથ છોડો ફાડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઇ ગયા છે. પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને બીજેપીની સભ્યતા આપતી વખતે કહ્યું કે રાજમાતા સિંધિયાજીએ ભારતીય સંઘ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને વિસ્તાર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજે તેમના પૌત્ર પાર્ટીમાં આવ્યાં છે. જ્યોકિરાદિત્ય સિંધિયા પરિવારના સભ્ય છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ.

બીજેપીમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમણે પોતાના પરિવારમાં સ્થાન આપ્યું. તેમણે કહ્યું કે મારા જીવનમાં બે તારીખ ઘણી મહત્વની રહીં છે. જેમાં પહેલી 30 સપ્ટેમ્બર 2001 જ્યારે મે મારા પિતાને ગુમાવ્યા, તેણે મારુ જીવન બદલી નાખ્યું. બીજી તારીખ 10 માર્ચ 2020 છે જ્યારે મે જીવનનો મોટો નિર્ણય લીધો છે. સિંધિયાએ કહ્યું કે આજે મારું મન વ્યથિત છે અને દુખી પણ છે. કોંગ્રેસ પાર્ટી પહેલા હતી તે હવે નથી રહી, તેના ત્રણ મુદ્દા મહત્વના છે. પહેલો વાસ્તવિકતાથી ઇન્કાર કરવો, નવી વિચારધારા અને નેતૃત્વને માન્યતા આપવી નહીં. 2018માં મધ્ય પ્રદેશમાં સરકાર બની તો એક સપનું હતું, પરંતુ તે વેરવિખેર થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે પોતાના વચન પાળ્યા નથી. આજે રાજ્યમાં ટ્રાન્સફર માફિયાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે, રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ મને એક નવા મંચ પુરો પાડવાની તક આપી છે.