ઈમરાનની અમેરિકન કોંગ્રેસના સભ્ય સમક્ષ મદદ માટે કાકલૂદી, લીક ઓડિયો ક્લિપથી પાકિસ્તાનમાં ખળભળાટ

May 21, 2023

દિલ્હી-સરકાર અને આર્મી સામે પાકિસ્તાનમાં મોરચો માંડનારા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના એક લીક ઓડિયોએ પાકિસ્તાનમાં ખળભળાટ મચાવ્યો છે. આ કથિત ઓડિયો ક્લિપમાં ઈમરાન ખાન અને અમેરિકન કોંગ્રેસના સભ્ય મેકિસન મૂર વોટર્સ છે. જેમને ઈમરાન ખાન કહી રહ્યા છે કે, મારી હત્યાનો પ્રયાસ કરાયો હતો. મને ત્રણ ગોળીઓ વાગી હતી. મારી સરકારને સેનાના પૂર્વ આર્મી ચીફ કમર બાજવાએ ઉથલાવી દીધી હતી. કારણકે દેશમાં આર્મી બહુ શક્તિશાળી છે. મારી સરકારને ઉથલાવીને બાજવાએ અત્યારે જે સરકાર છે તેને સત્તા પર લાવવામાં મદદ કરી હતી.

ઈમરાન ખાન આગળ કહેતા સંભળાય છે કે, તમારા જેવા નેતાજો મારી વાતનુ સમર્થન કરે તો તેની અસર બહુ વ્યાપક હશે. મને તમારે સહયોગ આપવો જોઈએ અને મારા સમર્થનમાં ઉભા રહેવુ જોઈએ. મારી પાર્ટી અત્યારે સૌથી ખરાબ કાર્યવાહીનો સામનો કરી રહી છે અને આ પ્રકારની કટોકટીનો સામનો પાકિસ્તાનમાં અગાઉ કોઈ રાજકીય પક્ષે કર્યો નથી. ઈમરાન ખાને મેક્સિન મૂર વોટર્સને અપીલ કરી હતી કે, અમારી પાર્ટીના સમર્થનમાં તમે એક નિવેદન કરો તેવુ અમે ઈચ્છી રહ્યા છે. તમારા જેવા નેતા જો નિવેદન આપશે તો અમને ઘણી મદદ મળશે. સાથે સાથે પાકિસ્તાનમાં માનવાધિકારોના થઈ રહેલા ઉલ્લંઘન સામે પણ તમારે અવાજ ઉઠાવવાની જરુર છે.