કાળી ચૌદશ, નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશીનું જાણીલો મહત્ત્વ

October 23, 2022

કાળી ચૌદશ 23-10-2022 રવિવારના ઉજવાશે. કાળી ચૌદશને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે માં કાળીની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. દિવાળીના આ પાંચ દિવસના ઉત્સવના બીજા દિવસે આપણે મા કાલીનું પૂજન કરીએ છીએ. બંગાળમાં નવરાત્રી પછી પાંચ દિવસ લક્ષ્મીપૂજન થાય છે અને કાળી ચૌદશ કાલી પૂજનનું પર્વ મનાવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં નવરાત્રીમાં આઠમે મા દુર્ગાનો હવન થાય છે અને દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનનું મહત્ત્વ રહેલું છે.

કાળી ચૌદશ એટલે નકારાત્મક્તાથી સકારાત્મક તરફ જવાનું પર્વ, અંધકારથી પ્રકાશ તરફ જવાનું પર્વ. આમ તો દરેક વ્યક્તિમાં બે પ્રકારની ઊર્જા હોય છે. નકારાત્મક અને સકારાત્મક. આ પર્વમાં ભગવતી કાલીની ઉપાસના એટલા માટે કરવામાં આવે છે કે આપણી અંદર રહેલા નકારાત્મક વિચાર જે શત્રુસમાન છે તેને મુક્ત કરી સકારાત્મક વિચાર દ્વારા ભવિષ્યને પ્રકાશમાન કરવું. આપણાં શાસ્ત્રોમાં ઘણી માન્યતાઓ અને વાર્તાઓ આ પર્વ નિમિત્તે છે. માટે જ જો આપણે આપણી માન્યતાઓ બદલીએ અને શાસ્ત્રમાં બતાવેલા પ્રયોગ કરીએ તો જરૃરથી સફળ થવાય છે.

આદિશક્તિ જગદંબાની શક્તિ કલ્યાણમયી કાલીના રૂપમાં વ્યક્ત થાય છે. દુર્ગા સપ્તશતીના પ્રથમ પાત્રમાં બ્રહ્માજીએ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાંથી બ્રહ્માંડના સર્જક વિષ્ણુને જાગ્રત કરવા માટે દેવી મહાકાલીની પ્રશંસા કરી હતી. શાબ્દિક કાલી વિશેષણ ઘાટા રંગની કોઈપણ સ્ત્રી માટે વપરાય છે. વિનાશક શક્તિઓ માટે કાલી શક્તિઓ શબ્દ પણ વપરાય છે.

બોલચાલની ભાષામાં મેલીવિદ્યા એ પ્રથા છે. જેના દ્વારા નુકસાન થાય છે. જો દેવી કાલીના સ્વરૃપનું ચિંતન કરવામાં આવે તો જેમાં ભગવતી નગ્ન અવસ્થામાં છે. વાળ ખુલ્લા છે. ગળામાં પુરુષના મુંડની માળા ધારણ કરેલ છે. કાલીનું આવું ભયાનક સ્વરૃપ દેવી પાર્વતીના દેહમાંથી ઉત્પન્ન થયું છે અને દેવી કાલીએ યુદ્ધના મેદાનમાં ચંડ-મુંડનો વધ કર્યો હતો. આ કારણસર તેનું નામ ચામુંડા હતું. રક્તબીજની હત્યામાં પણ દેવી કાલીએ પોતાનું મુખ ખોલીને રક્તબીજનાં તમામ લોહીનાં ટીપાં પીધાં હતાં જેના પરિણામે દુષ્ટનું મૃત્યુ થયું હતું.

મા કાલી આ ખરાબ સમયને સુધારી શકે છે. મોટાભાગના લોકો માત્ર એટલા માટે પ્રયત્ન નથી કરતાં કે તે હારી જશે અને તેનાથી પણ મોટો ભય એ છે કે લોકો શું કહેશે. હવે આપણે નક્કી કરવાનું છે કે આ સમયમાં આપણે આરાધના કરીને પૂરતું રક્ષણ મેળવી શકીએ છીએ.