કમલનાથનું રાજીનામું: 15 મહિનાની કોંગ્રેસ સરકારનું પતન

March 21, 2020

ભોપાલ : સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મધ્ય પ્રદેશ વિધાનસભામાં યોજાનારા વિશ્વાસ મત અગાઉ જ કમલનાથે મધ્ય પ્રદેશના મુખ્યપ્રદાન પદેથી રાજીનામું આપી દીધું છે. મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષે ૨૨ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેતા કમલનાથ માટે વિશ્વાસ મત જીતવો મુશ્કેલ બની ગયો હતો. 

૨૩૦ સભ્યોની મ.પ્ર. વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઘટીને ૨૦૬ જે પૈકી ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૯૨ થઇ 

કમલનાથે બપોરે એક વાગ્યે મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું હતું અને રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે તેમ રાજભવનના સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

જો કે રાજ્યપાલે નવા મુખ્યપ્રધાનની નિમણૂક ન થાય ત્યાં સુધી ૭૨વર્ષીય કમલનાથને રાજ્યના કામચલાઉ મુખ્યુપ્રધાન તરીકે ચાલુ રહેવા જણાવ્યું છે. 

કમલનાથના રાજીનામા સાથે જ મધ્ય પ્રદેશમાં છેલ્લા ૧૮ દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવી ગયો છે. કમલનાથે પોતાના રાજીનામા અંગેના પત્રમાં લખ્યું છે કે મે મારા ૪૦ વર્ષના જાહેર જીવનમાં હંમેશા લોકશાહી સિદ્ધાંતોને પ્રાથમિકતા આપી છે પણ છેલ્લા બે સપ્તાહમાં જોવા મળેલ લોકશાહી મૂલ્યોનું પતન અગાઉ મે ક્યારેય પણ જોયું નથી. 

૨૩૦ સભ્યોની મધ્ય પ્રદેશ વિધાનસભામાં ૨૨ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા હવે મધ્ય પ્રદેશ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઘટીને ૨૦૬ થઇ ગઇ છે. જે પૈકી ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૯૨ થઇ ગઇ  છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તેમના વિશ્વાસુ ૨૨ ધારાસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા હતાં. રાજીનામું આપતા કમલનાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથે સિંધિયાનું નામ લીધા વગર જણાવ્યું હતું કે એક મહત્ત્વાકાંક્ષી, સત્તા ભૂખ્યા અને પ્રજા દ્વારા નકારી દેવામાં આવેલા મહારાજા અને તેમના ૨૨ વિશ્વાસુ ધારાસભ્યોએ ભાજપ સાથે મળીને લોકશાહી મૂલ્યોનું પતન કર્યુ છે. 

બીજી તરફ ભાજપ નેતા જ્યોતિરાદિત્યા સિંધિયાએ કમલનાથના રાજીનામાને મધ્ય પ્રદેશની પ્રજાનો વિજય ગણાવ્યો છે.