કમલા હેરિસ 1 કલાક અને 35 મિનિટ માટે બન્યા અમેરિકાના પહેલા મહિલા રાષ્ટ્રપતિ

November 20, 2021

નવી દિલ્હી- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ શુક્રવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે એક કલાક અને 25 મિનિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને મેડિકલ ચેકઅપ માટે શુક્રવારે હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને આ સમય દરમિયાન તેમણે સત્તાના સૂત્રો કમલા હેરિસને સોંપ્યા હતા.


કમલા હેરિસ અમેરિકાના પહેલા મહિલા વાઈસ પ્રેસિડેન્ટ છે અને હવે કામચલાઉ ધોરણે પહેલા પ્રેસિડેન્ટ પણ બન્યા છે.વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યુ હતુ કે, મેડિકલ ચેક અપ દરમિયાન થોડા સમય માટે બાઈડનને એનેસ્થેસિયા અપાવાનો હતો.જેના પગલે તેમણે કમલા હેરિસને થોડા સમય માટે સત્તા સોંપી હતી. પહેલી વખત એવુ બન્યુ છે કે, કમલા હેરિસ બાઈડનની ગેરહાજરીમાં અમેરિકાના પ્રમુખ બન્યા હોય. એ પછી બાઈડને અમેરિકન સમય પ્રમાણે શુક્રવારે સવારે 11-35 કલાકે ફરી પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો.


બાઈડન 78 વર્ષીય છે અને બીજા પ્રમુખોની જેમ તેમનુ પણ નિયમિત રીતે ચેક અપ થતુ હોય છે.બાઈડન સરકારમાં કમલા હેરિસ પણ ચર્ચામાં છે.કારણકે તેઓ અમેરિકાના પહેલા અશ્વેત મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. જોકે અમેરિકામાં સત્તા સંભાળ્યા બાદ બાઈડનની સાથે સાથે કમલા હેરિસનુ એપ્રૂવલ રેટિંગ પણ ઘટયુ છે.બાઈડનનુ રેટિંગ ઘટીને 38 ટકા તો કમલા હેરિસનુ રેટિંગ ઘટીને 28 ટકા થઈ ચુકયુ છે.