કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ થયા કોરોના સંક્રમિત

August 06, 2022

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે જ શનિવારે તેની જાણકારી આપી છે. CMએ કહ્યું કે, તેઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે અને તેમનામાં હળવા લક્ષણો છે. બોમ્મઈએ પોતાનો દિલ્હી પ્રવાસ પણ રદ કરી દીધો છે. બોમ્મઈએ કહ્યું કે, તેઓ ઘર પર જ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. તેમણે ટ્વીટ કર્યું છે- 'હું કોવિડ-19થી સંક્રમિત થયો છું અને મારામાં હળવા લક્ષણો છે. મે પોતાને ઘરમાં ક્વોરોન્ટાઈન કરી લીધો છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કે, તેઓ પોતાને ક્વોરન્ટાઈન કરી લે અને કોરોના ટેસ્ટ કરાવે. મારો દિલ્હી પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે.'
બોમ્મઈ શનિવારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' પરની રાષ્ટ્રીય સમિતિ અને નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી જવાના હતા. બોમ્મઈ શુક્રવારે અનેક બેઠકો અને કાર્યક્રમોમાં સામેલ થયા હતા.  તમને જણાવી દઈએ કે, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 19,406 નવા કેસ નોંધાતા દેશમાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 4,41,26,994 પર પહોંચી ગઈ છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,35,364થી ઘટીને 1,34,793 રહી ગઈ છે.