કેશુભાઈનું સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, પંચમહાભૂતમાં વિલિન

October 29, 2020

અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ કર્યા હતા, પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો આગેવાનો, કાર્યકરોએ અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહને તિરંગામા લપેટી નીકળેલી અંતિમ યાત્રા સેક્ટર 30ના સ્મશાનગૃહ પહોંચી હતી. જ્યાં કેશુભાઇના પાર્થિવ દેહને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર અને સલામી આપી સંપૂર્ણ રાજકિય સન્માન સાથે ભારે હૈયે બાપાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સમયે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભાજપના નેતાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.

કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલનું નિધન 11:55 કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની 30 મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા.