કોહલી ક્યારેય યુવાઓનો આદર્શ નહીં બની શકે, ગૌતમ ગંભીરનુ સ્ફોટક નિવેદન

January 14, 2022

દિલ્હી- ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર અને સાંસદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટમાં ડીઆરએસ રિવ્યૂમાં સાઉથ આફ્રિકન કેપ્ટન ડીન એલગરને નોટ આઉટ અપાયા બાદ વિરાટ કોહલીએ સ્ટમ્પ માઈકમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.


આ બાબત ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહી છે ત્યારે ગૌતમ ગંભીરે કહ્યુ હતુ કે, કોહલીએ જે હરકત કરી છે તે પછી યુવાઓ તેને આદર્શ તરીકે નહીં જુએ.કોહલી બહુ અપરિપક્વ છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન હોવાના નાતે જાણી જોઈને સ્ટમ્પ માઈક પાસે જઈને વાત કરવી ખોટુ છે.તમે આવુ કરીને યુવાઓ માટે આદર્શ ક્યારેય બની શકો નહીં. ગંભીરે કહ્યુ હતુ કે, મને લાગે છે કે, દ્રવિડે આ મામલે કોહલી સાથે વાત કરવી જોઈએ.


સાઉથ આફ્રિકાની ટીમ પણ ગઈકાલે ભારતીય ખેલાડીઓની આ હરકત જોઈને ખુશ નહોતી.સાઉથ આફ્રિકન બોલર લુંગી એનગીડીએ કહ્યુ હતુ કે, ભારતીય ખેલાડીઓએ ડીઆરએસ રિવ્યૂને લઈને જે પ્રતિક્રિયા આપી હતી તે તેમની હતાશા દર્શાવતી હતી.