WTC ફાઇનલમાં ટોસ માટે કોહલી સાથે મેદાનમાં ઊતરવા આતુર છું : વિલિયમ્સન

June 08, 2021

લંડન: મેદાનમાં ભલે હરીફ હોય પરંતુ બહાર ઘણા સારા મિત્રો છે અને આ કારણથી ન્યૂઝીલેન્ડનો સુકાની કેન વિલિયમ્સન ૧૮મી જૂનથી સાઉથમ્પ્ટન ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય સુકાની વિરાટ કોહલી સાથે મેદાનમાં ઊતરીને ટોસ ઉછાળવા માટે આતુર બન્યો છે. કિવિ સુકાની સારી રીતે જાણે છે કે ભારતનું વિશ્વસ્તરીય બોલિંગ આક્રમણ સામે વિજય મેળવવો આસાન નથી. કોહલીના સંદર્ભમાં વિલિયમ્સને જણાવ્યું હતું કે અમે અંડર-૧૯થી લઇને અત્યાર સુધી વિવિધ સ્તરે તથા ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમ્યા છીએ અને એકબીજાની રમતને સારી રીતે જાણીએ છીએ. આ કારણથી મેદાનમાં સાથે ઊતરવું, ટોસ ઉછાળવો તથા પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં એકબીજાને મળવાની બાબત ઘણી યાદગાર તથા શાનદાર રહેશે. વિલિયમ્સને જણાવ્યું હતું કે ભારતની શક્તિશાળી બોલિંગ તથા કેટલાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેમણે મેળવેલા ઐતિહાસિક વિજયથી હું વાકેફ છું. ભારત પાસે બોલિંગમાં ઘણા વિકલ્પ છે અને કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ શાનદાર છે તેમાં કોઇ શંકા નથી. ભારતના યુવા ખેલાડીઓમાં છેલ્લા બોલ સુધી લડવાની ક્ષમતાથી અમે પરિચિત છીએ અને ઓસ્ટ્રેલિયામાં આ બાબત વારંવાર જોવા મળી હતી. ફાઇનલમાં એક શાનદાર ટીમ સામે અમારો મુકાબલો થવાનો છે જેનાથી અમે ઉત્સાહિત થયા છીએ.
ડયૂક બોલથી રમવાની તથા વરસાદની સંભાવના વિલિયમ્સનના દિમાગમાં છે અને તેને આશા છે કે ફાઇનલ પહેલાં સાઉથમ્પ્ટનની પિચ ઉપરથી ઘાસ ઓછું કરી નાખવામાં આવશે. કિવિ સુકાનીએ જણાવ્યું હતું કે પિચ ઉપરથી ગ્રાસને કાપીને રોલર ફેરવવામાં આવી શકે છે. અમે અત્યાર સુધી પ્રત્યેક દિવસે વરસાદ જોયો છે તેથી ફાઇનલ વખતે સ્થિતિ કેવી હશે તેની હું અટકળ કરી શકતો નથી. ડયૂક બોલનો સામનો કરવાનો અનુભવ હાંસલ કરવાનો અમારો લક્ષ્યાંક છે.