આઈસીસીની ચાર દિવસની ટેસ્ટવાળા ફોર્મેટનો કોહલીએ વિરોધ કર્યો

January 06, 2020

ગુવાહાટીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા જળવાઈ રહે તે માટે નવા વિચાર લઈને આવી છે. તે ક્રિકેટના આ પાંચ દિવસવાળા ફોર્મેટની મેચોને ચાર દિવસની કરવા માંગે છે. આ અઁગે સંબંધિત ક્રિકેટ બોર્ડ સામે પ્રસ્તાવ રજુ થવાનો છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીનો આ વિચાર ગમ્યો હોય તેવું લાગતું નથી. ચાર દિવસની ટેસ્ટ મેચના પક્ષમાં તે નથી. તેનું માનવું છે કે આમ કરવું તે ખેલના સૌથી શુદ્ધ સ્વરૃપ સાથે ન્યાય નહીં હોય.  વિરાટ કોહલીના જણાવ્યાં મુજબ ટેસ્ટ ક્રિકેટને આગળ લઈ જવા માટે ડે-નાઈટ મેચ થાય તે ઘણું છે. તેમણે કહ્યું કે મારા મતે તેમાં ફેરફાર થવો જોઈએ નહીં. જેમ મેં કહ્યું કે ટેસ્ટ ક્રિકેટને આગળ લઈ જવા માટે ડે-નાઈટ ટેસ્ટ મેચ લાવવામાં આવી છે તેનાથી ઉત્સાહ પેદા થાય છે. પરંતુ તેની સાથે વધુ છેડછાડ કરવી જોઈએ નહીં. મને નથી લાગતું કે આમ કરવું જોઈએ.  વિરાટ  કોહલીએ  કહ્યું કે તમે ટેસ્ટ ક્રિકેટમાં વધુમાં વધુ ડેનાઈટ ટેસ્ટ મેચનો ફેરફાર કરી શકો. તેનું ચલણ શરૃ થઈ ગયું છે. કોઈ બીજી વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ ફક્ત ડે-નાઈટ ટેસ્ટ ઉપર જ ફોકસ કરવામાં આવે તો આ ફોર્મેટમાં ઘણા આકર્ષણ આવી શકે છે.