કોરોના પર 8 કરોડનો ખર્ચ છતાં જીવ ન બચ્યો:8 મહિનાથી ચાલી રહેલી સારવાર પછી રીવાના ખેડૂતે ચેન્નઈમાં અંતિમ શ્વાસ લીધા, ફેફસાં 100% સંક્રમિત હતાં

January 13, 2022

ચેન્નઈ : ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં આઠ મહિનાની સારવાર પછી મધ્યપ્રદેશના રીવાના ખેડૂત ધર્મજય સિંહ (50)નું મંગળવારે રાત્રે કોરોનાને કારણે મોત નીપજ્યું છે. તેમની સારવાર પર લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ધર્મજય એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ થયા હતા. અહીં લંડનના ડોકટર મોનિટરિંગ કરી રહ્યા હતા.

લગભગ 254 (8 મહિનાથી વધુ) દિવસ તેમની સારવાર થઈ. તેમને એક્મો મશીન પર રાખવામાં આવ્યા હતા. સારવારમાં દરરોજ લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, જેના માટે પરિવારે 50 એકર જમીન પણ વેચી નાખી. દેશમાં કોરોનાના સૌથી લાંબી સારવાર મેરઠના વિશ્વાન સૈનીનો ચાલ્યો હતો, જેમણે 130 દિવસ પછી કોરોનાને માત આપી હતી.

મઉગંજ ક્ષેત્રના રકરી ગામમાં રહેતા ધર્મજય સિંહના (50) 30 એપ્રિલ 2021ના રોજ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. 2 મેના રોજ રિપોર્ટમાં તેઓ કોરોના પોઝિટિવ થયા હોવાની વાત સામે આવી હતી. ભાઈ પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે એક અઠવાડિયાં પહેલાં અચાનક ધર્મજયનું બ્લડપ્રેશર ડાઉન થયું હતું. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને બ્રેન હેમરેજ થઈ ગયું. પરિણામે, વેન્ટિલેટર પર રાખવા પડ્યા. સ્થિતિમાં કોઈ જ સુધારો ન થતાં 18 મેના રોજ એર એમ્બ્યુલન્સથી ચેન્નઇ લઈ જવામાં આવ્યા, ત્યારથી તેઓ અહીં જ દાખલ હતા.

અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ધર્મજય સિંહનાં ફેફસાં 100% સુધી સંક્રમિત થઈ ગયાં હતાં. જોકે ચાર દિવસ પછી કોરોના સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા હતા. ફેફસાંમાં સંક્રમણને કારણે એક્મો મશીનની મદદથી તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, ધર્મજય સિંહની સારવાર દેશ-વિદેશના ડોકટરની હાજરીમાં થઈ. તેમને જોવા લંડનના જાણીતા ડોકટર અપોલો હોસ્પિટલમાં આવતા હતા. સાથે જ અન્ય દેશોના ડોકટરની પણ ઓનલાઈન સલાહ લેવામાં આવી રહી હતી. લંડનના ડોકટરની સલાહ બાદ જ આઠ માસ સુધી એક્મો મશીન પર તેમને રાખવામાં આવ્યા હતા. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા.